Source: Bhaskar News, Khambha | Last Updated 2:05 AM [IST](11/01/2012)
ગીરના સાવજો દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જ જાય છે. આજે ખાંભા નજીક રેબડીનેસમાં ભેંસ ચરાવી રહેલા એક યુવાન પર સાવજે અચાનક જ હુમલો કરી તેના નવ દાંત આ યુવકના શરીરમાં બેસાડી દેતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયો છે.
આ ઘટના આજે સવારે સાડા નવેક વાગ્યાના સુમારે ખાંભાથી ૩૦ કી.મી. દુર ભાણીયા જંગલની બાજુમાં આવેલા રેબડીનેસમાં બની હતી. આ નેસમાં ગણ્યાગાઠ્યા કુટુંબો રહે છે. આજે સવારે રામ બાવભાઇ ભુવા (ઉ.વ. ૧૯) નામનો યુવાન પોતાની પાંચ ભેંસ લઇ જંગલમાં ચરાવવા માટે ગયો હતો. આ સમયે એક સિંહ અને સિંહણ ત્યાં અચાનક આવીચડ્યા હતા.
સિંહે કોઇ અકળ કારણે સીધો જ આ યુવાન પર હુમલો કરી દીધો હતો. યુવકને જમીન પર પછાડી દઇ સિંહ તેના પર સવાર થઇ ગયો હતો અને યુવકના શરીરમાં નવ દાંત બેસાડી દેતા તે લોહી લુહાણ થઇ ગયો હતો. આ સમયે યુવકના નાના ભાઇએ હાંકલા પડકારા કરી મહામહેનતે સિંહને ભગાડી તેની પકડમાંથી તેના ભાઇને છોડાવ્યો હતો.
રામ ભુવાને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
જંગલખાતાનો સ્ટાફ અહિં છેક બપોર બાદ દેખાયો હતો. ગીર કાંઠાના ખાંભા, ધારી, સાવરકુંડલા, રાજુલા વગેરે તાલુકામાં સાવજો દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જ જાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-attack-on-man-near-khambha-rushed-him-to-hospital-2736426.html
No comments:
Post a Comment