Sunday, January 15, 2012

ફાંસલામાંથી બચાવાયેલા સિંહબાળનું સારવારમાં મોત.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:36 AM [IST](14/01/2012)
- લોહી વહી ગયા બાદ સક્કર બાગ ઝૂ ખાતે રખાયું‘તું
- હિમોગ્લોબિન ઘટી જતાં મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ
ગીરનાર જંગલની ઉત્તર રેન્જમાં રતનપરા બીટ પાસેથી ગત માસે ફાંસલામાં ફસાયેલા એક સિંહબાળને બચાવી જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતે મોકલાયું હતું. આ સિંહબાળનાં પગની બે આંગળીઓ કપાઇ ગઇ હતી. અને લોહી વહી જતાં હીમોગ્લોબીન ઓછું થઇ ગયું હતું. પરિણામે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
ગીરનાર જંગલની ઉત્તર ડુંગર રેન્જમાં રણશીવાવ રાઉન્ડની રતનપરા બીટ પાસે રેવન્યુ વિસ્તારમાં ગત તા. ૧૪-૧૨-૨૦૧૧ નાં રોજ એક સિંહ બાળ ફાંસલામાં ફસાઇ ગયું હતું. ફોરેસ્ટ સેટલમેન્ટની જમીનમાં રાનીપશુઓની રંજાડને કારણે વાડી સંચાલક મેરૂ હસન હોથીએ ફાંસલો ગોઠવ્યો હતો. જેમાં દોઢ વર્ષનું સિંહબાળ ફસાઇ ગયું હતું. ફાંસલામાંથી છુટવા માટે આ બાળ વનરાજે ફાંફાં મારતાં તેનાં જમણા પગની બે આંગળી પોંચામાંથી જ કપાઇ ગઇ હતી. અને શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતું.
પરિણામે તેને સારવાર માટે સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યાં બે દિવસ પહેલાં તેનું મૃત્યુ થયું હતું. તેનાં મૃતદેહની અંતિમક્રિયા ઝૂ ખાતે જ કરાઇ હતી. આ અંગે ઝૂનાં ડાયરેક્ટર ડી.એફ.ઓ. વી. જે. રાણાએ જણાવ્યું હતું કે, તેનું હીમોગ્લોબિન ૫૦ ટકાથી વધુ ડાઉન થતાં રીકવરી નહોતી આવી અને કાર્ડીયાક ફેલ્યોર (હૃદય બંધ) થઇ ગયું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માનવીને જો લોહીમાં હીમોગ્લોબિન ઘટી જાય તો બનતાં પ્રાણી જેટલી જ વાર લાગે પરંતુ તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી શકાય પરંતુ પ્રાણીઓમાં એ શક્ય નથી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-baby-lion-dies-near-ratanpara-beat-2746643.html

No comments: