Saturday, January 7, 2012

વેરાવળ નજીક ૧૫૦ ફૂટ ઊંડા કૂવામાં દીપડી ખાબકી.


Source: Bhaskar News, Veraval   |   Last Updated 2:22 AM [IST](07/01/2012)
- વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી
- ખાટલા વડે બહાર કાઢી બચાવી લેવાઈ
વેરાવળ તાલુકાના મલુઢા ગામે આવેલ વાડીના ૧૫૦ ફૂટ ઉંડા કુવામાં ગતરાત્રીના બારેક વાગ્યા આસપાસ એક વરસની દીપડી ખાબકતા તેને આજે સવારે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી ખાટલા વડે બહાર કાઢી બચાવી લઈ સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દીધેલ હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતોનુસાર વેરાવળ તાલુકાના મલુંઢા ગામે કાદરભાઈ પીરભાઈની વાડીના કુવામાં ગત રાત્રીના બારેક વાગ્યા આસપાસ એક વર્ષની દીપડી ૧૫૦ ફુટ ઉંડા કુવામાં ખાબકી હતી. જેની જાણ કરાતા રાત્રીના સમયે જુનાગઢ ડીએફઓ આરાધના સાહુની સૂચનાથી વેરાવળના આર.એફ.ઓ. પરસાણા તથા ફોરેસ્ટર અપારનાથી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી જઈ કૂવામાં ખાબકેલ દિપડીની ખરાઈ કરેલ હતી.
ત્યારબાદ રાત્રીના સમયે દોરડા વડે ૧૫૦ ફૂટ ઉંડા કુવામાં જેમાં ૫૦ ફુટ પાણી ભરેલ હતું. કુવામાં ખાટલો ઉતારી રાત્રીના સમયે દિપડીને ખાટલામાં લઈ વીસેક ફુટ ઉંચી લઈ લીધેલ હતી. ત્યારબાદ આજે સવારે સાસણથી રેસ્કયુ ટીમ આવી ત્યારબાદ પાણીના કુવાની બાજુમાં પિંજરુ ગોઠવી રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. બે કલાકના રેસ્કયુ બાદ દિપડીને કુવામાંથી બહાર કાઢી તેને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી હતી. દીપડીને કુવામાંથી બહાર કાઢી તેને પિંજરામાં પુરી સાસણ ખાતે એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દીધી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-fell-down-in-150-foot-deep-well-near-veraval-2721845.html

No comments: