Thursday, April 30, 2015

ધારીમાં સાવજો પાદર સુધી પહોંચ્યા: બે ગાયનું મારણ.

ધારીમાં સાવજો પાદર સુધી પહોંચ્યા: બે ગાયનું મારણ
Bhaskar News, Dhari
Apr 08, 2015, 00:03 AM IST
 
- ગામ લોકોને જાણ થતાં સિંહ દર્શન માટે ટોળે ટોળા

ધારી, ખાંભા: ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ધારીના પાદરમાં બે દિવસમાં સાવજોએ બે રેઢીયાર ગાયોનું મારણ કર્યુ હતુ. છેક પાદરમાં સાવજો આવી ચડયા હોવાની લોકોને જાણ થતા અહી સિંહ દર્શન માટે લોકો દોડી ગયા હતા. ધારીના પાદરમાં બે દિવસમાં સાવજો દ્વારા મારણની ઘટના બની હતી. અહી ગતરાત્રીના દલખાણીયા રોડ પર આવેલ લાઇનપરા રેલ્વે ટ્રેક પાસે એક સિંહ આવી ચડયો હતો અને અહી રેઢીયાર ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી. સાવજ દ્વારા મારણની ઘટના અંગે લોકોને જાણ થતા અહી લોકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા. પોલીસની ગાડી પણ અહી દોડી આવી હતી.

અન્ય એક બનાવમાં ધારીના નબાપરા બજારમાં રાત્રીના બારેક વાગ્યાના સુમારે એક સિંહણ આવી ચડી હતી. સિંહણે અહી એક રેઢીયાર ગાયનુ મારણ કર્યુ હતુ. સિંહણની ડણકો સાંભળી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે અહી પણ લોકો સિંહ દર્શન માટે દોડી ગયા હતા.

ડેડાણમાં સાત સાવજોએ કર્યુ પાડીનુ મારણ

ખાંભા તાલુકાના ડેડાણ ગામે એકસાથે સાત સાવજોનુ ટોળુ સીમમા આવી ચડયુ હતુ. અહી સાવજોએ ભુપતભાઇ રામભાઇ પરમારની માલિકીની એક પાડીનું મારણ કરી મિજબાની માણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ખાંભાના નિંગાળામા સાત સાવજોએ પાદરમાં આવી ચાર રેઢીયાર ગાયનો શિકાર કર્યો હતો.

No comments: