- Bhaskar News, Liliya
- Apr 29, 2015, 00:34 AM IST
- લીલીયા પંથકમાં હરણ, શીયાળ, નિલગાય સહિતના પ્રાણીઓ પાણી માટે આમથી તેમ ભટકે છે ત્યારે
- પવનચક્કીના પણ ત્રણ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા
- પવનચક્કીના પણ ત્રણ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા
લીલીયા: એક તરફ કાળઝાળ ગરમીમાં લોકોને પણ પીવાના પાણીના ફાંફા છે ત્યાં વન્ય પ્રાણીઓની હાલત કફોડી બને તે સ્વાભાવિક છે. ખાસ કરીને લીલીયા તાલુકામાં વસતા સાવજોને પાણી માટે ભટકવુ પડે છે. જેને પગલે વનતંત્ર દ્વારા શેત્રુજી અને ગાગડીયો નદીના કાંઠે પાણીની પંદર કુંડી ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત પવનચક્કીના પણ ત્રણ પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા હોવાનું વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.
લીલીયા તાલુકામાં તો લોકો માટે પણ પાણીની તંગી છે. ત્યારે અહિં વસતા સાવજ, નિલગાય, હરણ અને શીયાળ સહિતના વન્ય પ્રાણીઓની સ્થિતી વધુ કફોડી છે. અહિં દર વર્ષે ઉનાળામાં વનતંત્ર દ્વારા પિવાના પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવે છે. જેથી આ વન્ય પ્રાણીઓને પાણી માટે આમથી તેમ ભટકવુ ન પડે.
હાલમાં લીલીયા તાલુકાના આંબા, ભેંસવડી, શેઢાવદર, ક્રાંકચ, બવાડી, બવાડા, ભોરીંગડા, ટીંબડી, વાઘણીયા, અમરેલી તાલુકાના ચાંદગઢ વિગેરે ગામોમાં સાવજોનો વસવાટ છે. જેને પગલે વન વિભાગ દ્વારા શેત્રુજી, ગાગડીયો અને સકરો નદીના કાંઠે આવેલા આ ગામોની સીમમાં જુદા જુદા પંદર સ્થળે પાણીની કુંડીઓ મુકવામાં આવી છે. આ ઉપરાંત પવનચક્કીના પાણીના ત્રણ પોઇન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ અઢાર સ્થળોએ નિયમીત પાણી ભરવામાં આવશે. સ્થાનિક આરએફઓ અગ્રવાલ, ફોરેસ્ટર બી.એમ. રાઠોડ વિગેરે આ કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે.
સિંહ ગણતરી પૂર્વે સ્કેનીંગનો આરંભ
સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની વસતી ગણતરી આડે હવે જુજ દિવસો બાકી છે. ત્યારે જે વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં વસે છે તે લીલીયા પંથકમાં વનતંત્ર દ્વારા સ્કેનીંગની કામગીરીનો આજે આરંભ કરવામાં આવ્યો હતો. અમરેલીના ડીએફઓ એમ.આર. ગુર્જરના માર્ગદર્શન નિચે આજે વહેલી સવારથી જ લીલીયા પંથકમાં આવેલી વાડીઓમાં વનતંત્ર દ્વારા દંગાઓની ચકાસણી કરાઇ હતી. આ ઉપરાંત વિજ પ્રવાહનું પણ ચેકીંગ કરાયુ હતું. સિંહ ગણતરી અંગે લોકોમાં જાગૃતિ લાવવા માઇક ફેરવી સુચનાઓ અપાઇ હતી. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે લોક જાગૃતિના કાર્યક્રમો ગામેગામ યોજાશે.
No comments:
Post a Comment