Thursday, April 30, 2015

જાબાળાની વાડીમાં સિંહ સાથે એક વર્ષની દીપડીનું ઇન્ફાઇટમાં મોત.


Bhaskar News, Khambha
Apr 14, 2015, 01:34 AM IST
 
ઘટના સ્થળેથી સિંહના સગડ મળ્યા

ખાંભા:
અમરેલી જીલ્લાના રેવન્યું વિસ્તારમાં વસતા વન્યપ્રાણીઓ એક બાદ એક કમોતે મરી રહ્યા છે. હજુ ત્રણ સિંહબાળના ટ્રેઇન હડફેટે કમોત થયાની ઘટના તાજી છે. ત્યાં આજે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાંથી એક વાડીમાંથી એક વર્ષની દીપડીનો મૃતદેહ મળ્યો હતો. આ દીપડી કોઇ રીતે સિંહ સામે આવી જતા સાવજે તેને મારી નાખ્યાનું વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ઘટના સ્થળેથી સિંહના સગડ મળ્યા હતાં. વન વિભાગે દીપડીનો મૃતદેહ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
એક વર્ષની દીપડીનું ઇનફાઇટમાં મોત થયાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાં આજે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરે વન વિભાગને બાતમી મળી હતી કે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના છગનભાઇ  હરજીભાઇ બરવાળીયાની વાડીમાં એક દીપડીનો મૃતદેહ પડ્યો છે. જેને પગલે સાવકુંડલાના એસીએફ  મુની સ્ટાફ સાથે અહીં દોડી ગયા હતાં. અને મૃતદેહ કબજે લીધો હતો. અને મૃતદેહના પીએમની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે આ દીપડીનું મોત સિંહ સાથે ઇનફાઇટમાં થયું હતું.
 
વનવિભાગનું એવુ માનવું છે કે અહીં કોઇ રીતે સિંહ અને દીપડીનો આમનો સામનો થઇ ગયો હતો. જેને કારણે સાવજે હુમલો કરી દઇ તેના રામ રમાડી દીધા હતાં. વન તંત્ર દ્વારા આસપાસના વિસતારમાં તપાસ કરાતા ત્યાં સિંહની હાજરીના સગડ મળી આવ્યા હતાં. દીપડીની કરોડરજ્જુ પર ઇજાના નિશાન મળી આવ્યા હતાં. બાદમાં દીપડીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મીતીયાળા બંગલો ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં પીએમ બાદ દીપડીના મૃતદેહને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો હતો. ફોરેસ્ટર જોષીભાઇ અને વેટરનરી ડોક્ટર હીતેશ વામજા પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં.
 
દીપડીના મૃતદેહ પર સિંહની દાઢના નિશાન
 
સાવરકુંડલાના એસીઅએફ મુનીએ જણાવ્યું હતું કે  ઘટના સ્થળેથી વન વિભાગને સિંહની હાજરીના સગડ પણ મળી આવ્યા હતાં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દીપડીના કરોડરજ્જુમાં સિંહના દાઢના નિશાન પણ મળી આવ્યા હતાં. જેને પગલે આ દીપડીનું મોત ઇનફાઇટમાં થયાનું માવવામાં આવી રહ્યું છે.

No comments: