Thursday, April 30, 2015

ભૂતિયો બંગલો જ્યાં અપાય છે અગ્નિદાહ: 21 સિંહના અંતિમ સંસ્કાર થયા છે.

  • સિંહનું સ્મશાનઅમરેલી:Bhaskar News, Amreli
Apr 14, 2015, 09:56 AM IST
 
સ્મશાન હંમેશાં માણસ માટે બને છે. માણસના મૃતદેહની ચિતા ખડકી તેને અગ્નિદાહ અપાતો હોય તેવા દ્રશ્યો ગામે ગામ જોવા મળે છે, પરંતુ વન્યપ્રાણીઓ માટેનું કયાંય સ્મશાન હોય તેવું સાંભળ્યું છે, ધારીનો ભૂતિયો બંગલો વન્યપ્રાણીઓનું સ્મશાન છે. અહી મૃત વન્યપ્રાણીઓ માટે ખાસ સ્મશાન સગડી બનાવાય છે. જ્યા અત્યાર સુધીમાં 21 સાવજોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અહી 43 દીપડાને પણ ચિતા પર ચડાવી દેવાયા.
 
ગીરપૂર્વની વન કચેરી હેઠળ આવતા ધારીના ભૂતિયા બંગલા ખાતે વન્યપ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે એક ખાસ સ્મશાન ઊભું કરવામાં આવ્યું છે. માણસોના સ્મશાનમાં ઉપયોગમાં લેવાતી સ્મશાન સગડી અહી મૂકવામાં આવી છે.  ધારીના ડીએફઓ ડો.અંશુમન શર્માએ દિવ્ય ભાસ્કરને માહિતી આપતા જણાવ્યું હતું કે, અહી 21 સાવજો અને 43 દીપડા અને 4 નીલગાયના પણ અંતિમ સંસ્કાર થયા છે. કોઇ સિંહ કુદરતી કે અકુદરતી રીતે મૃત્યુ પામે તો ભૂતિયા બંગલા ખાતે પીએમ કરવામાં આવે છે. સિંહના અંતિમ સંસ્કારની તમામ વિધિનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. સિંહના તમામ નખ બળી જાય તેની ખાસ તકેદારી લેવાય છે.
 
- સૌરાષ્ટ્રનું ઘરેણું ગણાતા સાવજો અહી ચિતા પર ચડી માટી બની માટીમાં ભળી જાય છે
- અનોખો ભૂતિયો બંગલો જ્યા અપાય છે મૃત દીપડા, નીલગાય, અજગર, મોર, શિયાળ, કુંજને અગ્નિદાહ

 
 જે વિસ્તારનો સિંહ મૃત્યુ પામ્યો હોય તે વિસ્તારના બીટગાર્ડને ફરજિયાત હાજર રખાય છે. ચિતા સંપૂર્ણ ઠરી ન જાય ત્યાં સુધી હું ખુદ પણ હાજર રહું છું અને સ્ટાફ પણ હાજર રહે છે, કયારેક સિંહનું શંકાસ્પદ મોત હોય તો મૃતદેહ બળી ગયા બાદ તેની રાખ પણ પાણીથી ધોઇ કોઇ ધાતુ, ગોળી કે છરો મળે છે કે નહીં તેની તપાસ થાય છે.
 
મિતિયાળા, વડાળ, જસાધારમાં પણ થાય છે અગ્નિ સંસ્કાર

ગીરપૂર્વમાં આવતી નાની વડાળ વીડી, જસાધાર અને મિતિયાળામા પણ વનતંત્ર દ્વારા સાવજોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સિંહનાં મોત બાદ તેને નજીકના સ્થળે લઇ જઇ બાળી દેવાય છે.
દસ મણ લાકડાંની જરૂર પડે છે

વન્યપ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે અગાઉથી જ લાકડાંની વ્યવસ્થા હોય છે. સિંહનો મૃતદેહ બળી જાય તે માટે દસ મણ લાકડાંની જરૂર પડે છે.
 
ક્યારેક સિંહના મૃતદેહને ફૂલહાર અને અગરબત્તી પણ કરાય છે

ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, ઘણી વખત જે તે વિસ્તારના સાવજ સાથે ત્યાના સ્ટાફના ઘરોબો કેળવાય જાય છે. તેની સાથે લાગણી જોડાઇ જાય છે. જેથી કયારેક આવા કિસ્સામાં સિંહનાં મોત વખતે સ્ટાફ દ્વારા અંતિમ સંસ્કાર પહેલા તેને ફૂલહાર કે અગરબત્તી પણ કરવામાં આવે છે.
 
કેટલા વન્યજીવોને  અગ્નિદાહ?
સિંહ--- 21
દીપડા--- 43
નીલગાય--- 04
અજગર--- 02
મોર--- 07
આ ઉપરાંત અહી શિયાળ, વીજ, કુંજને અગ્નિદાહ અપાયો છે.

No comments: