- Bhaskar News, Talala
- Apr 29, 2015, 00:36 AM IST
તાલાલા: સિંહ દર્શન કરવા દેશ-વિદેશનાં પ્રવાસીઓમાં આકર્ષણ વધી રહ્યું હોય અેપ્રીલ 2014થી માર્ચ 2015 સુધીમાં ગીર જંગલની મુલાકાતે આવેલા પ્રવાસીઓનો આંક પાંચ લાખને પાર કરી ગયો છે. પ્રવાસીઓની વધતી સંખ્યાથી વન વિભાગની આવકમાં વધારો થતા પ્રવાસીઓ પાસેથી સિંહદર્શન માટે વસુલાતી ફીની રકમથી પાંચ કરોડ છન્નુલાખની આવક વનવિભાગને થઇ છે.
સિંહ જોવા ગીર નેશનલ પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા બાર ટકાનો વધારો થયો છે. 2013-14માં પ્રવાસીઓની સંખ્યા ચારલાખ એકાવન હજાર હતી. જેનાથી વનવિભાગને ચાર કરોડ એંસી લાખ રૂપિયાની આવક થયેલ એપ્રીલ 2014થી માર્ચ 2015 સુધીનાં વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા બાર ટકાનાં વધારા સાથે પાંચ લાખ અગીયાર હજારએ પહોંચી જતાં ગીરની મુલાકાતે વધુ 60 હજાર પ્રવાસીઓ આવેલ જેનાંથી વનવિભાગને પાંચ કરોડ છન્નુ લાખ રૂપિયાની ભારે આવક થયેલ છે.
પ્રવાસીઓની વધી રહેલ સંખ્યા અંગે સાસણ વન્યપ્રાણી વિભાગનાં ડી.સી.એફ. ડો.સંદિપકુમારે જણાવેલ કે એશીયાઇ સિંહો માત્ર ગીરમાં જ વસે છે. અને ગુજરાત સરકાર દ્વારા ગીરને ટોચનાં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા દેશ-વિદેશમાં થઇ રહેલ પ્રચાર મહત્વનો બન્યો છે. સાથે ગીર નેશનલ પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓને વનવિભાગનાં સ્ટાફ અને ગાઇડો દ્વારા આનંદદાયક સિંહદર્શન કરવામાં આવતુ હોય પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે.
પ્રકૃતિના આનંદને માણવા પ્રવાસીઓ વધુ આવે છે
સિંહદર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યા ક્રમશ: દર વર્ષે વધી રહી હોય આ અંગે હાથ ધરાયેલ સર્ટીમાં ઘણાં પ્રવાસીઓ પાસેથી એવી જાણકારી મળેલ કે સિંહદર્શન કરવા સાથે ગીરમાં પ્રાકૃતિક કુદરતી સૌંદર્યની મજા આવતી હોય ઘણા પ્રવાસીઓ દર વર્ષે ગીરની મુલાકાતે સાથે છે. ઘણા પ્રવાસીઓ વર્ષ દરમ્યાન એકથી વધુ વખતગીરની મુલાકાત લે છે.
વન વિભાગને ધારી પાસે પણ વ્યવસ્થા ઉભી કરવી પડી
સાસણ ગીર ખાતે આવેલા દેવળીયા પાર્કમાં તેમજ એ સીવાયનાં વિસ્તારમાં વન પરિભ્રમણ માટે વનવિભાગ દ્વારા પરમીટો આપવામાં આવે છે. જો કે, સીઝનમાં અહીં એટલા બધા પ્રવાસીઓ હોઈ છે કે ઘણા બધાને પરમીટ નથી મળી શકતી. અને તેઓને સિંહ દર્શન વિના જ પાછા જવુ પડે છે. આથી વનવિભાગે દેવળીયા પાર્કની માફક ધારી પાસે પણ એક નવો ઈન્ટરપ્રિટેશન ઝોન બનાવ્યો છે. આગામી સમયમાં પ્રવાસીઓનો ધસારો પહોંચી વળી શકાય એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ટૂંકમાં ગીર જંગલમાં દિન-પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.
No comments:
Post a Comment