Friday, April 29, 2016

ધારી: ભરડ ગામની વાડીમાં ખુલ્લામાં સૂતેલી મહિલાને ઉપાડી જઇ સિંહણે ફાડી ખાધી


લાભુબેન પરિવારજનો સાથે રાત્રે ખુલ્લામાં જ ખાટલો નાખીને સુતા હતાં

  • Dilip Raval, Amreli
  • Apr 12, 2016, 15:01 PM IST
લાભુબેન પરિવારજનો સાથે રાત્રે ખુલ્લામાં જ ખાટલો નાખીને સુતા હતાં
ધારી: ધારીના ભરડ ગામની સીમમા આંબાનો બગીચો ભાગવો રાખનાર પરિવારની મહિલા ગઇરાત્રે ખુલ્લામા ખાટલા પર સુતી હતી ત્યારે શિકારની શોધમા નીકળેલી સિંહણ તેને ઢસડીને છેક અડધો કિમી દુર નદીના પટ્ટમા ઉપાડી ગઇ હતી જયાં સિંહણ અને બે પાઠડાએ આ મહિલાને ફાડી ખાધી હતી. ધારી તાલુકાના ડાંગાવદર ગામના ભુરાભાઇ લાખાભાઇ બાંભણીયા ભરડ ગામની સીમમાં આંબાનો બગીચો ધરાવે છે. 
 
ધારી: ભરડની સીમમાં સિંહણ મહિલાને ઉપાડી ગઈ, ફાડી ખાતા ગામમાં ચકચાર
 
અહીના દેવીપુજક લાભુબેન ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.50) નામની મહિલાના પરિવારે આંબાનો આ બગીચો ભાગવો વાવવા રાખ્યો છે. તેઓ પરિવાર સાથે જ આંબાવાડીમા રહે છે. ગઇરાત્રે તેનો પરિવાર આંબાવાડીમા જ સુતો હતો. લાભુબેન સોલંકી પણ ખુલ્લામા ખાટલો નાખી સુતા હતા. રાત્રે બારેક વાગ્યા આસપાસ શિકારની શોધમાં નીકળેલી એક સિંહણ અહી ધસી આવી હતી અને લાભુબેનને ગળામાથી પકડી ઢસડીને નાસી હતી. બાજુમા જ સુતેલા તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યો જાગી ગયા હતા અને તેમણે દેકારો કરી મુકયો હતો. જો કે સિંહણ તેમને રાતના અંધારામાં ઢસડીને છેક 500 મીટર દુર નદીના પટ્ટમા લઇ ગઇ હતી. 
 
આ સિંહણે લાભુબેનને મારી નાખી બે પાઠડા સાથે તેનો શિકાર કર્યો હતો. સાવજો તેનુ અડધુ શરીર ખાઇ ગયા હતા. રાત્રે ધારીના ડીએફઓ કરૂપ્પાસામીને જાણ કરાતા આરએફઓ રાણપરીયા, એસીએફ મુની વિગેરે સ્ટાફ સાથે દોડી ગયા હતા. સવારે આ મહિલાની લાશ નદીના પટ્ટમાથી અર્ધ ખવાયેલી હાલતમાં મળી હતી. અહી વારંવાર આ પ્રકારે સાવજો દ્વારા માણસ પર હુમલો થઇ રહ્યો હોય અને સાવજો માણસને શિકાર બનાવી રહ્યાં હોય ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

સાવજો દ્વારા માણસના શિકારની પાંચમી ઘટના

પાછલા ત્રણેક વર્ષમાં સાવજો દ્વારા માણસનો શિકાર કરાયો હોય તેવી આ પાંચમી ઘટના છે. નાગેશ્રીની સીમમાં સાવજે એક બાળકીને ફાડી ખાધી હતી. બેએક વર્ષ પહેલા જાફરાબાદના ધોળાદ્રીમા સિંહ દર્શન માટે લોકો એકઠા થયા હતા ત્યારે સાવજે એક યુવકને જંગલમા ઢસડી જઇ તેના પાંચ ટુકડા કરી નાખ્યા હતા. આગરીયામા પણ સાવજે એક યુવકને ફાડી ખાધો હતો. આંબરડીમા આધેડને અને ભરડમા હવે મહિલાને ફાડી ખાવાની ઘટના બની છે. 

પાઠડો સિંહ પાંજરે પુરાયો

અહી એક સિંહણ તથા બે પાઠડા દ્વારા લાભુબેન સોલંકીનો શિકાર કરવામા આવ્યો હતો. આ વિસ્તારના લોકોમાં વનતંત્રની બેદરકારી સામે રોષ છે. વનતંત્રએ સાવજોને પકડવા ભરડની સીમમાં પાંજરા મુકયા છે. દરમીયાન વહેલી સવારે એક પાઠડો સિંહ પાંજરામા સપડાઇ ગયો હતો. શિકારી સિંહણ અને હજુ એક પાઠડો સિંહ ખુલ્લામા ફરી રહ્યાં હોય ખેડૂતો ફફડી રહ્યાં છે. 
 
અહી દસથી અગિયાર સાવજોનો વસવાટ

ભરડના આગેવાન મધુભાઇ બોરીચાએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમાં દસથી 11 સાવજોનો વસવાટ છે. લાભુબેનની દિકરીએ આઠ દસ દિવસ પહેલા બગીચો રાખ્યો હતો.

ગત 18મીએ પણ ખેત મજુરનો થયો હતો શિકાર

ગત 18મી માર્ચે પણ ધારીના આંબરડીની સીમમાં આવી જ ઘટના બની હતી. વાડીમા જેસીબીની મદદથી જમીન લેવલીંગનુ કામ ચાલતુ હોય જેસીબીમાં કામ કરતા મજુરો માટે રસોઇ બનાવવાનુ કામ કરતા આંકડીયા ગામના જીણાભાઇ વાલજીભાઇ મકવાણા નામના આધેડ રાત્રે કાળી શાલ ઓઢીને સુતા હતા ત્યારે એક સિંહ તેમને ઉપાડી ગયો હતો. સવારે તેમના છુટાછવાયા અવશેષો જ હાથ લાગ્યા હતા. 

No comments: