Friday, April 29, 2016

ધારી: બચ્ચાને જન્મ આપતી વેળાએ બ્રેઇન હેમરેજ થઇ જતા સગર્ભા દીપડીનું મોત

ધારી: બચ્ચાને જન્મ આપતી વેળાએ બ્રેઇન હેમરેજ થઇ જતા સગર્ભા દીપડીનું મોત
  • Bhaskar News, Dhari
  • Apr 20, 2016, 02:53 AM IST
(તસવીર પ્રતિકાત્મક)
 
ધારી:સામાન્ય રીતે જે ઘટના જોવા નથી મળતી તેવી એક ઘટનામાં સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામની સીમમાં એક સગર્ભા દિપડી બચ્ચાને જન્મ આપી રહી હતી તે સમયે દિપડીને બ્રેઇન હેમરેજ થઇ જતા તેનું મોત થયુ હતું. જેને પગલે તેના પેટમાં રહેલા ચારેય બચ્ચા પણ મોતને ભેટ્યા હતાં. જાણ થતા વન સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. 
 
સગર્ભા દિપડીનું પ્રસુતી વખતે મોત થયાની આ ઘટના સાવરકુંડલા રેન્જમાં વાશીયાળી ગામની સીમમાં બની હતી. વાંશીયાળી ગામના જયસુખભાઇ ગૌરીશંકરભાઇ નામના ખેડૂતની વાડીમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની વનતંત્રને કોઇએ જાણ કરી હતી. જેને પગલે વન વિભાગનાં ડીએફઓ કરૂપા સામી, રેસ્ક્યુ ટીમનાં ડો. હિતેષ વામજા, અમિતભાઇ ઠાકર વિગેરે તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને દિપડીનો મૃતદેહ કબજે લીધો હતો. 
 
વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ  દિપડીની ઉંમર પાંચ વર્ષની હોવાનું જણાયુ હતું. નાની વડાળ વિડી ખાતે દિપડીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જણાયુ હતું કે આ દિપડી સગર્ભા હતી અને તેના પેટમાં ચાર બચ્ચા હતાં. દરમીયાન પ્રસુતિના સમયે દિપડીને બ્રેઇન હેમરેજ થઇ ગયુ હતું. જેના કારણે આ દિપડી મોતને ભેટી હતી. એટલુ જ નહી તેના પેટમાં રહેલા ચારેય બચ્ચા પણ મોતને ભેટ્યા હતાં. આમ એક સાથે પાંચ પાંચ મોતની ઘટના બની હતી.
 

No comments: