અમરેલી:
શહેર કે ગામડાઓમાં નોટ બદલવી હોય કે નાણા જમા કરાવવા હોય તો ગામમાં કે
નજીકના સ્થળે વ્યવસ્થા જરૂર છે પરંતુ ગીર જંગલની મધ્યમાં આવેલા નેસડાઓમાં
આવી કોઇ વ્યવસ્થા નથી. મધ્ય જંગલના નેસમાં વસતા લોકો માટે તો 40 કીમી દુર
જંગલ બહાર નિકળે ત્યાર પછી જ કોઇ ગામમાં બેંક સુધી પહોંચી શકાય છે. અહિં
માલધારીઓ મોટા પ્રમાણમાં પશુપાલન અને દુધનો વ્યવસાય કરે છે. તેમને નોટો જમા
કરાવવા અને નાણા ઉપાડવા રોજે રોજ લાઇનમાં લાગવુ પડે છે. સમયસર પહોંચી
શકાતુ ન હોય ધક્કા થાય છે. અમરેલી પંથકમાં ગીર પૂર્વમાં મધ્યગીરમાં નેસની
સંખ્યા ઘણી વધારે છે. તમામ લોકોનો એક જ વ્યવસાય છે પશુપાલન.
દુર-દુર સુધી એટીએમ નથી, સમયસર પહોંચવા એસટી બસ મળતી નથી
ગીરમાંથી મોટા પ્રમાણમાં દુધનો વ્યવસાય થઇ રહ્યો છે. મંડળીઓ પણ મોટા પ્રમાણમાં ગીરમાંથી દુધ ખરીદે છે. મોટાભાગના માલધારીઓ પાંચ-દસથી લઇ 70 થી 80 પશુઓ રાખે છે. જેના કારણે તેમનો કારોબાર પણ મોટો છે. આ ગામોમાં નથી ટીવી કે રેડીયોની સગવડતા કે નથી મોબાઇલ ચાલતા. સરકારના કોઇ નિર્ણયની પણ અહિં ખુબ મોડી જાણ થાય છે. હવે આ માલધારીઓ નોટ બદલવાને લઇને પરેશાન છે. અનેક નેસ એવા છે કે 40 કીમી દુર જંગલમાં ધારી, દલખાણીયા, ખાંભા, જીરા, ધોકડવા જેવા સ્થળોએ પહોંચે પછી જ બેંક, એટીએમ કે પોસ્ટની સુવિધા મળે છે. સમયસર બેંકોએ પહોંવા એસટીની સુવિધા તો મળતી નથી. પોતપોતાના વાહનો લઇ જંગલ બહાર નિકળી પ્રયાસો કરે તો પણ હાથમાં નગણ્ય રકમ આવે છે.
દેશનું સારૂ થતું હોયતો ભલે થોડી તકલીફ પડે
500 અને 1000ના દરની નોટો રદ કરવાનો નિર્ણય આમ જનતા માટે પીડાદાયક જરૂર સાબીત થઇ રહ્યો છે. ત્યારે અહિંના એક 90 વર્ષના વૃધ્ધે તો એમ પણ જણાવ્યુ હતું કે થોડા દિવસ લોકોને ભલે તકલીફ પડે. જો આનાથી દેશનું કંઇ સારૂ થતુ હોય તો જ્યારે ચરખા ગામેથી આવેલા એક વૃધ્ધે એમ જણાવ્યુ હતું કે અમે સવારના પાંચ વાગ્યાથી અહીં લાઇનમાં ઉભા છીએ. છેલ્લા બે દિવસથી અમે આ રીતે નાણા લેવા દોડધામ કરી રહ્યા છીએ.
રોજ 2200નો ખોળ ખરીદવો ક્યાંથી?
ગીરના એક માલધારીએ જણાવ્યુ હતું કે અમારા પશુઓ માટે દરરોજ બે ગુણી ખોળની જરૂર પડે છે. રોજ 2200 રૂપીયાના ખોળની જરૂર છે પણ આ ખોળ ખરીદવો કેમ? મારી પાસે રૂા. 500 અને 1000ની જ નોટો છે. અમારે ઢોર ચરાવવા જવુ કે બેંકની લાઇનમાં ઉભા રહેવુ ?
No comments:
Post a Comment