વિસાવદર:
વિસાવદરનાં રાજપરા રાઉન્ડ પાસે એક બિમાર સિંહ આંટાફેરા મારતો હોવાનાં
અહેવાલો તા. 20 નવે.નાં દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા હતા. જેને પગલે
હરકતમાં આવેલા વનતંત્રએ એ સિંહની શોધખોળ આદરી હતી. જેમાં બીજો એક સિંહ પણ
બિમાર જોવા મળ્યો હતો. તેને પણ સારવાર અપાઇ હતી.
વન તંત્ર હરકતમાં આવ્યું
વિસાવદર રેન્જનાં રાજપરા રાઉન્ડનાં જંગલમાં એક બિમાર ડાલામથ્થો ગામલોકોને નજરે ચઢ્યો હતો. તેને જોવા માટે લોકોનાં ટોળા ઉમટ્યા હતા. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં વનવિભાગ જાગૃત થયું હતું. અને બિમાર સિંહની શોધખોળ શરૂ કરી હતી. 3 દિવસની જહેમત બાદ રાજપરા રાઉન્ડનાં ઘોડીયા વિસ્તારમાંથી તેની ભાળ મળી હતી. જોકે, તેની સાથે તેનાજ ગૃપનો બીજો એક નર સિંહ પણ બિમાર હાલતમાં જોવા મળ્યો હતો. આથી રાજપરા રાઉન્ડનાં ફોરેસ્ટર આર. એમ. સીડાએ આરએફઓ આર. ડી. વંશને જાણ કરી હતી.
રેસ્ક્યુ ટીમે સારવાર આપી સ્થળ પરજ મુક્ત કરી દીધા
એસીએફ કપટાને જાણ કરતાં તેમણે સાસણથી રેસ્ક્યુ ટીમને બોલાવી હતી. આ ટીમનાં તબીબ ડો. સોલંકીને એક સિંહને નાકનાં ઉપરનાં ભાગે, ડોકમાં તેમજ જમણા પગમાં ઇજાઓ હોવાનું જ્યારે બીજા સિંહને માથાનાં ભાગે અને પગનાં પંજામાં ઇજા થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આથી બંનેને ટ્રાન્કવીલાઇઝ કરી સ્થળ પર જ સારવાર અપાઇ હતી. અને બાદમાં મુક્ત કરી દેવાયા હતા.
રોજ દેખરેખ રખાશે: એસીએફ
બંને સિંહોને સારવાર આપીને મુક્ત કરાયા છે. પરંતુ જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ ન થઇ જાય ત્યાં સુધી તેના પર સતત દેખરેખ રાખવાની સ્ટાફને સુચના અપાઇ છે. એમ એસીએફ કપટાએ જણાવ્યું હતું.
No comments:
Post a Comment