ઇજાગ્રસ્ત સાવજોને સારવાર આપવા વનવિભાગની કવાયત
ખાંભા: તુલસીશ્યામ રેન્જનાં રબારીકા રાઉન્ડ અને રાજુલા વિસ્તરણ
વિભાગની રેન્જ આડે માત્ર એક કતારધાર નામનો વિસ્તાર છે. છેલ્લા 2 દિવસ થી
રાજુલા વિસ્તરણ વિભાગનાં 2 સિંહોએ અહીં પડાવ નાંખ્યો હતો. બંને સિંહો
હંમેશાં સાથે જ જોવા મળે છે. દરમ્યાન વનવિભાગ એવી વિસામણમાં મૂકાયું છે કે,
કદાચ આ સિંહો સાથે અન્ય ગૃપનાં સિંહે ઇનફાઈટ કરી હશે. બંનેને ગઈકાલે મારણ
અપાયું ત્યારે અડધું મારણ ખાઈને તેઓ પાછા કતારધારમાં આવેલી ગુફામાં ચાલ્યા
ગયા હતા.
જાણવા મળતી વિગત મુજબ, તુલસીશ્યામ રેન્જમાં આવેલા રાબારીકા રાઉન્ડનાં મોટા બારમણ ખાતે રાજુલા વિસ્તરણ વિભાગની રેન્જમાં 2 સિંહો અન્ય સિંહોના ગ્રુપ સાથેની ઇનફાઈટ માં ઘવાયા છે. આ બંને સિંહો રાજુલા વિસ્તરણ વિભાગની રેન્જમાંથી તુલસીશ્યામ રેન્જનાં રાબારીકા રાઉન્ડની હદમાં આવી ચઢ્યા છે. તેઓ ઘાયલ અવસ્થામાં જોવા મળતાં તુલસીશ્યામ રેન્જનાં ટ્રેકર અને કર્મીઓ પણ એલર્ટ થઈ ગયા હતા. અને રાજુલાના વનકર્મીઓ તેમજ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા.
આ સિંહોનાં લોકેશન મેળવવા બંને રેન્જનાં વનવિભાગના સ્ટાફે 2 દિવસ થી
મોટા બારમણ ખાતે ધામા નાખ્યા છે. આ બંને સિંહો રાજુલાની વિસ્તરણ રેન્જમાં
હરહંમેશ સાથે જ જોવા મળે છે. તેમને અન્ય ગ્રુપનાં સિંહો સાથે ઇનફાઈટ થઈ છે.
એમ વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.
અત્યારે તો તેમની સારવાર માટે પકડવા જરૂરી હોઇ આ માટે પાંજરું પણ
ગોઠવવામાં આવ્યું છે. પણ હજુ સુધી બંને પાંજરે નથી પૂરાયા. દરમ્યાન આજે
વનવિભાગનાં ડોક્ટરોની એક ટિમ અને રેસ્ક્યુ ટિમ આવી પહોંચી હતી. આ બંને
સિંહોને વારાફરતી ટ્રાન્ક્વિલાઇઝ કરી સારવાર આપવામાં આવશે એમ વન
અધિકારીઓનું કહેવું છે.
No comments:
Post a Comment