Thursday, December 26, 2019

વનવિભાગ અને પોલીસની ટીમો આખી રાત દીપડાને પકડવા માટે દોડી પરંતુ દીપડો ક્યાંય નજરે ન પડ્યો

  • 2 દિવસ દરમિયાન મેગા ઓપરેશન સફળ નહીં જતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો 
  • મોટા મુંજીયાસરમાં વધુ ફફડાટ હોય રાતના 10 વાગે જ બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો

Divyabhaskar.com

Dec 09, 2019, 11:27 AM IST
અમરેલી: બગસરા પંથકમાં 24 કલાકમાં આદમખોર દીપડાએ માનવ પર બે હુમલા કર્યા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું અને એક મહિલા સારવાર હેઠળ છે. દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસની ટીમોના ધાડેધાડા તેમજ શાર્પશૂટરો પણ ઉતારી દેવામાં આવ્યા છે. ગત રાત્રે આખી રાત પોલીસ અને વન વિભાગ દોડતું રહ્યું પરંતુ દીપડો ક્યાંય નજરે પડ્યો નહોતો. આજે સવારના 6.30 વાગ્યા સુધીમાં વન કર્મી અને પોલીસકર્મીઓ વાડી અને સીમ વિસ્તારમાં તૈનાત હતા. પરંતુ દીપડો અન્ય ગામોમાં વાડી વિસ્તારથી દૂર જતો રહ્યો હોવાનું અનુમાન છે. 2 દિવસ દરમિયાન મેગા ઓપરેશન સફળ નહીં જતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે.
મોડી રાત સુધી લોકોને સમજાવટ
અહીં વહિવટી તંત્રની સાથે સાથે ગામના આગેવાનો અને યુવાનોએ પણ મોડી રાત સુધી લોકોને ખુલ્લામા ન રહેવા, સીમમાં ન જવા સમજાવટ કરી હતી. લોકોને રાતે બજારમા આંટાફેરા ન કરવા પણ સમજાવાયા હતા.
રાત પડતા જ સન્નાટો, લોકો ઘરમાં ભરાઇ ગયા
બગસરાના મોટા મુંજીયાસરમા સૌથી વધુ ફફડાટ હોય એક તરફ તંત્રની કામગીરીથી રાજીપો હતો. તો બીજી તરફ અહી રાતના 10 વાગતા જ ગામની તમામ બજારોમા સન્નાટો હતો. લોકો ઘરમા ભરાઇ ગયા હતા.
રાત્રે કોઇ વાડીમાં ન ગયું
બાજુના ગામમાં જ દીપડાએ બે લોકોને ફાડી ખાધા હોય દીપડાના ભયની સાથે સાથે તંત્રની સમજાવટના કારણે રાત્રીના સમયે કોઇ ખેડૂત વાડીમા ગયા ન હતા. રાતના 9 પછી ગામ સુમસામ બની ગયું હતું.
તંત્ર દોડતું રહ્યું, લોકો જાગતા રહ્યાં
આ વિસ્તારના ગામડાઓમાં અને રફાળામાં પણ તંત્રની ગાડીઓ દોડતી રહી હતી. ગામના લોકો સલામત રીતે પોતાના ઘરમાં જાગતા રહ્યાં હતા. ખેડૂતોએ રાત ફફડાટમા વિતાવી હતી.
વાળુપાણી કરી લોકો સૂઇ ગયા
નાના એવા સુડાવડમા સાંજ પડતા જ લોકો વાળુ પાણી કરી સુઇ ગયા હતા. દીપડાના ભયને પગલે રાતના અંધકારમા આવો સુનકાર પ્રથમ વખત હતો. સીમ વિસ્તાર પણ સુમસામ નજરે પડ્યો હતો.
મામલતદારે 35 ગામના સરપંચોની બોલાવી બેઠક
ગઇકાલે રવિવારે પણ તંત્ર દોડતું રહ્યું હતું. મામલતદાર અને ટીડીઓએ 35 ગામના સરપંચ અને તલાટીઓની તાકિદની બેઠક બોલાવી હતી. અને તેમને જે તે ગામના લોકોને રાત્રીના સમયે ખેડૂતો કે મજુરો ખેતરમા ન રહે તથા અવાવરૂ જગ્યા પર પણ અવરજવર ન કરે વિગેરે જેવી સુચના આપવા સમજ કરાઇ હતી.
પાંચ ગામમાં વન તંત્રની ટીમ ઘૂમતી રહી, ગ્રામજનોએ ફફડાટ વચ્ચે રાત વિતાવી
બગસરાના લુંઘિયા, મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર, રફાળા અને સુડાવડમાં વન વિભાગની ગાડીઓ અને પોલીસની ગાડીઓ ઘૂમતી રહી હતી. આ પાંચેય ગામના લોકોએ ફફડાટ વચ્ચે રાત વિતાવી હતી.
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/forest-and-police-team-run-full-night-but-not-catch-leoparad-of-bagasara-area-126246615.html

No comments: