Thursday, December 26, 2019

લુંઘીયા ગામમાં ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ, માનવભક્ષી દીપડો CCTV કેમેરામાં કેદ થયો

  • લુંઘીયા ગામમાં ગત રાત્રે દીપડો ઘૂસ્યો તેના સીસીટીવી સામે આવ્યા
  • વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હોસ્પિટલ દોડી આવ્યા

Divyabhaskar.com

Dec 08, 2019, 04:01 PM IST
અમરેલી: અમરેલી પંથકમાં દીપડાના હુમલામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને 45 વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામની મહિલા પર હુમલો કર્યો હતો. હુમલાથી દયાબેને બૂમાબૂમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પરંતુ દિપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ બની ગઇ હતી. બગસરા પંથકમાં 24 કલાકમાં આ
દીપડાનો બીજો હુમલો છે.મહિલા પર હુમલો થતા જ હોસ્પિટલના બિછાને રહેલી મહિલાના ખબર અંતર પૂછવા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ દોડી આવ્યા હતા.
મહિલાને હોસ્પિટલ ખસેડાઇ
ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. વન વિભાગને હજુ એક પણ દીપડાને ઠાર મારવામાં સફળતા મળી નથી. દીપડાનો આતંક દિવસેને દિવસે વધતો જતો હોવાથી વાડીએ કામ કરતા ખેડૂતોમાં પણ ભયનો માહલો જોવા મળી રહ્યો છે. જંગલ છોડી વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તાર તરફ વળતા લોકોમાં ભયના ઓથાર તળે જીવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. ગત રાત્રે લુંઘીયા ગામમાં દીપડો ઘૂસ્યો તે સીસીટીવીમાં કેદ થઇ ગયો છે. વીડિયોમાં દિપડો ગામમાં આંટાફેરા કરતો હોય તેવા
દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
રાજુલાના સાંચ બંદર વિસ્તારમાંથી દીપડા હટાવવા સરંપચની માંગ
રાજુલાના સાંચબંદર વિસ્તારમાંથી દીપડા હટાવવા સરપંચે માંગ કરી છે. ગામમાં વસવાટ કરતા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર દીપડા કરે છે. વારંવાર વન વિભાગને રજૂઆત કરવા છતાં દીપડા પાંજરે પૂરાતા નથી. દરિયાકાંઠે આવેલા સાંચ બંદર વિસ્તારમાં દીપડાનો વસવાટ વધ્યો છે. આજે સરપંચ દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ કર્યો છે.
દીપડા છેલ્લા 10 મહિનામાં કયા દિવસે કોને ફાડી ખાધા
1- 26 ફેબ્રુઆરી 2019, ચલાલાના ગોપાલગ્રામમાં અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને ફાડી ખાધો
2- 28 જૂન 2019, તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા હીરીબેન ગોસિયા નામના 65 વર્ષીય વૃદ્ધા દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
3- 20 સપ્ટેમ્બર 2019, ખાંભાના મુંજીયાસરમા નનુબેન રામભાઈ પરમાર (ઉંમર 70) એક કીમી ઢસડી ફાડી ખાધા
4-28 સપ્ટેમ્બર 2019, અમરેલીના ચાંદ ગઢમાં ચિરાગ પારશીંગભાઈ કટારા નામના 6 વર્ષના બાળકને ફાડી ખાધો
5- 29 સપ્ટેમ્બર 2019, ધારીના મોણવેલમાં મનસુખભાઇ અરજણભાઈ વાળા અને કરશનભાઈ ભીમાભાઈ સગઠિયા નામના સાળા બનેવીને દીપડાએ મારી નાખ્યા કટકે કટકા કરી દીધા
6- 20 સપ્ટેમ્બર 2019, વિસાવદરના પીંડાખાઈમાં ઘરની ઓસરીમાં સુતેલા 60 વર્ષીય વાલાભાઈ માણદભાઈ મારૂને ફાડી ખાધા
7- 25 ઓક્ટોબર 2019, બગસરાના મુંજીયાસરમાં નાગજીભાઈ પટોળીયા નામના વૃદ્ધને દીપડાએ મારી નાખ્યા
8- 17 નવેમ્બર 2019, બગસરાના રફાળામાં પરપ્રાંતીય ખેતમજૂરની ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી
9- 05 ડિસેમ્બર 2019, બગસરાના મુંજીયાસરના વજુભાઇ બોરડ નામના 55 વર્ષીય ખેડૂતને દીપડાએ ફાડી ખાધા
10- 7 ડિસેમ્બર 2019, બગસરાની સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ ઉંમર 40 ખેત મજૂર દીપડાએ ફાડી ખાધા
(જયદેવ વરૂ, અમરેલી)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/leopard-attack-on-45-year-old-woman-in-bagasara-area-126239722.html

No comments: