Saturday, May 30, 2020

ગીર પૂર્વની તુલસીશ્યામ રેંજમાં બેબેસિયાના રોગથી છ સિંહનાં મોત

એનિમલ કેર સેન્ટરમાંથી સાજા થેલા સિંહને જંગલમાં છોડી મુકાયો
એનિમલ કેર સેન્ટરમાંથી સાજા થેલા સિંહને જંગલમાં છોડી મુકાયો

  • દલખાણિયામાં સીડીવી બાદ ગીરપૂર્વની તુલસીશ્યામ રેંજમાં બેબેસિયાએ કાળો કેર વર્તાવ્યો
  • રોગચાળા અંગે અત્યાર સુધી નનૈયો ભણ્યાં બાદ આખરે વનતંત્રએ મો ખોલ્યું
  • અહીંના સાવજોમાં બેબેસીયા રોગ ઇતરડીના કારણે ફેલાઇ રહ્યો છે
  • આ રોગથી 6થી વધુ સાવજોના મોત થયા હોવાથી આશંકા સેવાઇ રહી છે

દિવ્ય ભાસ્કર

May 08, 2020, 07:23 AM IST

અમરેલી. દલખાણીયા રેંજના સાવજો બે વર્ષ પહેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાતા 34 જેટલા સાવજોના ટપોટપ મોત થયા હતા. છેક અમેરિકાથી રસી મંગાવી રોગચાળા પર કાબુ લેવાયો હતો. પરંતુ આ ઘટના બાદ વનતંત્રએ કોઇ બોધપાઠ ન લીધો જેના પગલે હવે ગીરપુર્વની તુલસીશ્યામ રેંજમા સાવજોમા બેબેસિયાનો રોગચાળો ફેલાયો છે. આમ તો  ગીરપુર્વમા પાછલા કેટલાક સમયમા 21થી વધુ સાવજોના મોત થયા છે. પરંતુ હંમેશા રોગચાળાની માહિતી છાની રાખતા વનતંત્રએ આ રોગચાળામા માત્ર છ સાવજોના મોત થયાનુ જ કબુલ કર્યુ છે. બાકીના સાવજોના મોત વૃધ્ધાવસ્થા, સાપ કરડવા જેવા કારણોમા ખપાવી દેવાયા છે.

13 સાવજોને પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી દેવામા આવ્યા

સાવજોમા આ રોગચાળો ઇતરડીના કારણે ફેલાયો છે. બેબેસીયા લાગુ પડતા સાવજના શરીરમા લોહીનુ પ્રમાણ ઘટી જાય છે. અગાઉ તુલસીશ્યામ રેંજમા સાવજોના એક ગૃપમા આવા લક્ષણો નજરે પડતા 13 સાવજોને પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી દેવામા આવ્યા હતા. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સમગ્ર કાર્યવાહી પર સતત દેખરેખ રાખી રહ્યાં હતા. જો કે છ સાવજો સાજા થતા મુકત કરી દેવાયા છે. સિંહપ્રેમીઓનુ માનવુ છે કે અહી રોગચાળામા ઘણા વધુ સાવજોના મોત થયા છે પણ વનતંત્ર કાયમની જેમ પોતાની આબરૂ બચાવવા આંકડા છુપાવી રહ્યું છે.

બેબેસિયા રકતકણોને તોડી નાખે છે
સાવજોને ઇતરડી કરડવાથી બેબેસીયા રોગ લાગુ પડે છે. આ રોગમા તેના લોહીમા બેબેસીયા કોટ્રોઝોઆ થાય છે. જે લોહીના રકતકણોને તોડી નાખે છે. પરિણામે તેના આરબીસી કાઉન્ટ ઘટી જાય છે. બીજા શબ્દોમા તેના શરીરમા લોહીનુ પ્રમાણ ઘટી જાય છે. 

છ સાવજો સાજા થતા જંગલમાં મુકત કરાયા 
રોગચાળો ફેલાયા બાદ તુલસીશ્યામ રેંજમાથી 13 સાવજોને ઉપાડી લઇ જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડવામા આવ્યા હતા. જો કે છ સાવજો સાજા થઇ જતા ગઇરાત્રે તુલસીશ્યામ રેંજમા તેને ફરી જંગલમા છોડી દેવાયા હતા. જયારે બાકીના સાવજો હજુ દેખરેખ હેઠળ છે.

અંશુમન શર્માને તાકિદે ધારી મુકાયા હતા
વનતંત્ર અગાઉ ભલે રોગચાળાનો ઇનકાર કરતુ રહ્યું પરંતુ ભુતકાળમા અહી ખુબ સારી કામગીરી કરનાર અંશુમન શર્માને તાબડતોબ ધારી મુકાયા હતા. પ્રિસીસીએફ શ્યામલ ટીકેદાર પણ ગીરની મુલાકાતે દોડી આવ્યા હતા. ઉપરાંત સાવજોને ઉપાડી લઇ કેર સેન્ટરમા ખસેડવા જેવી અનેક બાબતો રોગચાળા તરફ ઇશારા કરતી હતી. પણ વનતંત્ર માહિતી છુપાવતુ હતુ.છ સાવજોને મુકત કરાયા છે. વધુ કેટલાક સાવજોને બે ચાર દિવસમા મુકત કરાશે.

સાવજોને બેબેસીયાની ટ્રીટમેન્ટ અપાઇ છે
^જુનાગઢના સીસીએફ ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતુ કે આ સાવજોને બેબેસીયાની જ ટ્રીટમેન્ટ આપવામા આવી છે. છ સાવજોને મુકત કરાયા છે. વધુ કેટલાક સાવજોને બે ચાર દિવસમા મુકત કરાશે.- ડી.ટી. વાસાવડા, સીસીએફ
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/six-lions-die-of-babesia-disease-in-tulsipur-range-east-of-gir-127279474.html

No comments: