- તીડને ભગાડવા માટે ખેતીવાડી ખાતું ઉંધે માથે
- દવાનો છંટકાવ કરાયો
દિવ્ય ભાસ્કર
May 28, 2020, 05:00 AM ISTઅમરેલી. રાજુલા અને સાવરકુંડલાના ચાર ગામમાં પ્રવાસી તીડનો હાહાકાર મચી રહ્યો છે. અહીં તીડને જિલ્લા બહાર કરવા માટે ખેતીવાડી તંત્ર ઊંધે માથે કામે લાગી ઠેરઠેર દવાનો છંટકાવ કરે છે. પણ તીડ અમરેલી જિલ્લાના બોર્ડરના ગામડાઓમાંથી ફરી પ્રવેશ કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં સાવરકુંડલા, ખાંભા, લીલીયા અને જાફરાબાદ તાલુકાના અનેક ગામડાઓમાં તીડએ દેખા દીધા હતા. ફરી આજે રાજુલાના જાપોદર અને માંડરડી તેમજ સાવરકુંડલાના લીખાળા સહિત ગામોમા 300 થી 500ના ઝુંડમાં પ્રવાસી તીડ દેખાઈ હતી. અહીં ખેડૂતોએ ડબ્બા, થાળી અને અવાજ કરી તીડને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. એક તરફ જિલ્લામાં ચાર તાલુકામાંથી તીડનો વ્યાપ અન્ય એક તાલુકામાં વધતા ખેડૂતોની ચિંતા વધી હતી. અમરેલી જિલ્લા ખેતીવાડીના વિસ્તરણ અધિકારી નીતિનભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે, સર્વે ટીમે સ્ટેન્ડ બાય રખાઈ છે. પ્રવાસી તીડ હોવાથી નુકશાન નથી.
તીડ વિશે એ બધુ જ, જે તમને આશ્ચર્યચકિત કરશે
તીડ 2 થી 4 વખત 60 થી 200 ઇંડા મૂકે 10-12 દિવસમાં બચ્ચાં બહાર આવે છે
માદા તીડ રેતાળ, રણ પ્રદેશની જમીનમાં 5 થી 12 સેન્ટીમીટર નીચે 2 થી 4 વખત 60 થી 200 ઇંડા મૂકે છે જેમાંથી 10-12 દિવસમાં બચ્ચાં બહાર આવે છે. ઇંડામાંથી નિકળેલા બચ્ચાં 5-7 વખત કાંચળી ઉતારી પુખ્ત અવસ્થા ધારણ કરે છે. જે અવસ્થા 40-45 દિવસની હોય છે.
ખોરાક - તેના વજન જેટલો ખોરાક રોજ લે છે
સામાન્ય રીતે એક તીડ તેના વજન જેટલો જ રોજ ખોરાક લે છે. આવા એક ટોળામાં 8 થી 10 કરોડ તીડ હોય છે. જેથી જયાં પણ આ ટોળું ઉતરે ત્યાં એક જ દિવસમાં 200 ટન જેટલો ખોરાક લે છે.
મિજાજ - ટોળામાં જ એકથી બીજા વિસ્તારમાં પ્રવેશે
પુખ્ય વયના અપરિપકવ તીડ ટોળામાં પ્રવાસ કરી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પ્રવેશ કરે છે. પ્રજનનક્ષમ પીળા રંગના તીડ નર માદાનું જોડાણ બનાવી આગળની પેઢી ઉત્પન્ન કરે છે.
નિયંત્રણનો કીમિયો - રાત્રે સ્થળાંતર ન કરતા હોય ત્યારે જ દવા છાંટી શકાય
તીડની પ્રકૃતિ પ્રમાણે તે રાત્રીના સ્થાળતંર ન કરતા હોય જયાં તીડ આવ્યા હોય અને રાતવાસો કર્યો હોય તે સ્થળે રાત્રીના સમયે દવાનો છંટકાવ કરવાથી ઝડપથી નિયંત્રણ થઇ શકે છે. સવારે પણ દવાનો છંટકાવ કરી શકાય છે, પરંતુ આ સમયે તીડ ઉડતાં હોય અવરોધ સર્જાઇ શકે છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/locust-terror-in-four-villages-of-rajula-savarkundla-127346328.html
No comments:
Post a Comment