Source: Bhaskar News, Visavadar | Last Updated 1:28 AM [IST](16/05/2011)
- વર્ષ ર૦૦૬માં દીપડાની વસતી ૧૦૭૦ અને રિછની ૨૪૭ હતી
આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં દીપડાની ગણતરી ચાલશે. જ્યારે વર્ષ ર૦૦૬માં દીપડાની વસતી ૧૦૭૦ અંદાજવામાં આવી હતી. જ્યારે રિછની સંખ્યા ૨૪૭ નોંધાઇ હતી.
દેશ આઝાદ થયા પછી ૧૯૭૦- ૮૦ સુધી અન્ય વન્ય પ્રાણીઓની જેમ દીપડાની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. પરંતુ ૧૯૭૨માં વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ રક્ષણ અપાયા બાદ અભયારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનોના વિકાસ પર ખાસ ધ્યાન અપાતાં વન્યપ્રાણીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. રાષ્ટ્રીય કક્ષાએ વાઘ અને દીપડાની ગણતરી દર ચાર વર્ષે કરવામાં આવે છે.
જે મુજબ ૨૦૦૬ની સાલમાં ગુજરાત રાજ્યમાં દીપડાની સંખ્યા ૧૦૭૦ અંદાજવામાં આવી હતી. વર્ષ ૨૦૦૨માં ૯૯૯ની સંખ્યા નોંધાઇ હતી. આમ ચાર વર્ષમાં દીપડાની સંખ્યામાં ૭૧નો વધારો થયો હતો. જે વન્ય પ્રાણીઓનાં રક્ષણ માટે થતી સારી કામગીરીની નોંધ પ્રતિત કરાવે છે. બિલાડી કુળમાં મોટા પ્રાણીઓમાં સિંહ, વાઘ, જગુઆર પછી દીપડો સૌથી મોટું પ્રાણી છે. એશિયા ખંડમાં ભારત સિવાય કોઇ પણ દેશમાં દીપડાની સંખ્યા વધારે નથી.
જૂનાગઢ જિલ્લામાં ૩૧૧ દીપડા નોંધાયા હતા -
૨૦૦૬ની વસતી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લામાં દીપડાની સંખ્યા ૩૧૧ની નોંધાઇ હતી. જે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે અને કુલ વસતીના ર૯ ટકા જેટલી છે. છેલ્લી ગણતરી મુજબ ૩૬૦ દીપડા અભયારણો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તથા ૭૧૦ જેટલાં દીપડા અન્ય વિસ્તારોમાં વસવાટ કરતાં નોંધાયા છે.અમરેલી જિલ્લામાં ૯૯, દાહોદ જિલ્લામાં ૧૬૬, વડોદરા જિલ્લામાં ૭૭, પંચમહાલ જિલ્લાનાં વન વિસ્તારોમાં ૯૭ દીપડા વસવાટ કરતાં હોવાનું મનાય છે.
source:http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-census-start-from-today-up-to-three-day-2106668.html
No comments:
Post a Comment