Tuesday, May 24, 2011

કેશોદમાં રાત્રીના દિપડો કૂવામાં ખાબક્યો.


Source: Bhaskar News, Keshod   |   Last Updated 12:44 AM [IST](24/05/2011)

- રેસ્કયુ ટીમે દીપડાને બેભાન કરી એક કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો
કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે ગત રાતે શીકારની શોધમાં નિકળેલ દીપડો એક વાડીમાં પાણી વગરનાં કૂવામાં પડી ગયો હતો. જ્યારે સ્થાનિક વન વિભાગની ટીમે સકકરબાગમાંથી રેસ્કયુ ટીમ બોલાવતાં એક કલાકની જહેમત બાદ આ દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે ગાંગેચાનાં રસ્તે આવેલ રમેશભાઇ જશવંતભાઇ દેત્રોજાની વાડીમાં આવેલ પાણી વગરનાં કૂવામાં રવિવારે મોડી રાત્રે દિપડો પડી ગયો હતો. જ્યારે આ અંગેની ગામનાં સરપંચને જાણ થતાં તુરંત જ તેઓએ કેશોદ વન વિભાગને આ વાતથી માહિતગાર કર્યા હતા. જેથી તુરંત જ આર.એફ.ઓ. આર.એન. ગરચરના માર્ગદર્શન હેઠળ કેશોદ રાઉન્ડ ફોરેસ્ટર કે.વી.કાછડીયા, કે.કે.રાયજાદા, જે.અમે.રામ સહિતનો સ્ટાફ આ વાડીએ આજે સવારે પહોંચી ગયો હતો. જો કે દિપડાને કૂવામાંથી કાઢવો મુશ્કેલ જણાતાં આ સમગ્ર ઘટનાની ડી.એફ.ઓ. રાદડીયાને જાણ કરતાં જૂનાગઢ સકકરબાગની રેસ્કયુ ટીમ આવી પહોંચી હતી.
જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી આવેલી રેસ્કયુ ટીમે સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરી પાણી વગરના ઊંડા કૂવામાં ખાબકેલા દિપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં સૌપ્રથમ તેને બેભાન કરી એક કલાક સમયગાળાની જહેમત બાદ આખરે રેસ્કયુ ટીમને દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
બીજી બાજુ પાણી વગરનાં કૂવામાંથી બહાર કાઢેલા દીપડાને અહીં પ્રાથમિક સારવાર આપી આવેલી ટીમ સાથે આ દીપડાને જુનાગઢ સકકરબાગમાં રવાના કરાયો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-fall-in-well-in-keshod-2128105.html

No comments: