Source: Bhaskar News, Talala | Last Updated 2:17 AM [IST](21/05/2011)
- વનવિભાગ વન્ય પ્રાણીઓને માનવ વસાહતમાં આવતા અટકાવવા તાકીદે કાર્યવાહી કરે
ગીર પંથકના ગામોમાં વન્ય પ્રાણીઓની સતત અવર-જવરથી લોકો ભયના માહોલ હેઠળ જ જીવી રહ્યાં છે. તાલાલાના હડમતીયા (ગીર)માં તો સાવજોએ ધામા નાંખી ચાર દિવસમાં બે ગાયનાં મારણ કરતા લોકોમાં ફફડાટ છવાયો છે.
હડમતીયા ગામના પટેલ સમાજના પ્રમુખ હરદાસભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગામની સીમમાં છેલ્લા ઘણા દિવસોથી બે સિંહોએ ધામા નાંખ્યા છે. અને રાત્રીના સમયે ગામમાં આવી રેઢીયાર માલઢોરનો શિકાર કરી જાય છે. ચાર દિવસમાં સાવજોએ બે ગાયનું મારણ કર્યું છે. બે દિવસ પહેલા ભોજદે ગામના જયરામ પંડયા નામના વિપ્ર પરિવારનાં ઘરની આઠ ફુટ ઉંચી દીવાલ કુદી દીપડો વાછરડીનું મારણ કરવા આવ્યો હતો પરંતુ પરિવારના સભ્યો જાગી જતાં અને હોહા દેકારો કરી મુક્તા વાછરડીને ઈજા પહોંચાડી દીપડો નાસી ગયો હતો.
આ બનાવોને પગલે ગીર પંથકના ગામોમાં પાણી અને શિકારની શોધમાં નીકળી પડતા સિંહ-દપિડા જેવા વન્યપ્રાણીઓ માનવ વસાહતથી કેટલા નજીક છે તેની તપાસ કરી આ વન્ય પ્રાણીઓને જંગલમાં પરત ખદેડવા વનવિભાગ તાકીદે કાર્યવાહી કરે તેવી લોકોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે. સવાર થતાં જ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સાવજડાના આગમનની વાતો વહેતી થાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-came-in-talala-two-hunting-2122211.html
No comments:
Post a Comment