Source: Bhaskar News, Junagadh | Last Updated 3:20 AM [IST](14/05/2011)
ગિરનાર અભયારણ્યની આસપાસનાં ૨૭ ગામોને કેન્દ્ર સરકારે ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કર્યા છે. આ વિસ્તારોમાં હવેથી કોઇપણ પ્રકારની આર્થિક-ઔદ્યોગિક સહિતની પ્રવૃત્તિ માટે વન વિભાગની એનઓસી લેવી પડશે.
ગિરનાર જંગલની આસપાસ આવેલા ૨૭ ગામોને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરાયા છે. એમ નોર્મલ વન વિભાગનાં ડી.એફ.ઓ. અનિતા કર્ણએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારોમાં કોઇપણ પ્રકારની આર્થિક કે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે વન વિભાગની એન.ઓ.સી. મેળવવી ફરજીયાત બનશે. જૂનાગઢ અને ભેંસાણ તાલુકાનાં ૮૩૧૮ હેકટર વિસ્તારને આ ઝોનમાં સમાવાયો છે.
જાણવા મળ્યા મુજબ, ઇકો સેન્સીટીવ ઝોન જાહેર થવાને પગલે અભયારણ્યની પાંચ કિ.મી. ની ત્રજિીયામાં આવેલા વિસ્તારોમાં બાંધકામ, ખાણ પ્રવૃત્તિ, અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિ પ્રતિબંધિત બનશે. સાથોસાથ વૃક્ષછેદન, કૃષિ પદ્ધતિમાં ફેરફાર, કુદરતી જળસ્ત્રોતોનો વ્યાપારિક ઉપયોગ, હોટલ-રીસોર્ટનું નિર્માણ, આ વિસ્તારમાંથી વિમાન ઉડ્ડયન, જળસ્ત્રોતમાં કચરો ઠાલવવા, જેવી કાર્યવાહી ઉપર નિયંત્રણ આવી જશે. હાલની તકે ગુજરાતમાં ગિર, ડાંગ જિલ્લાનું પૂણૉ અભયારણ્ય, નવસારીનો વાંસદા નેશનલ પાર્ક અને કચ્છનાં નારાયણ સરોવર અભયારણ્યને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરાયા છે.
આગામી દિવસોમાં બનાસકાંઠાનાં બાલારામ-અંબાજી, જામનગરનો મરીન નેશનલ પાર્ક અને શૂલપાણેશ્વર અભયારણ્ય આસપાસનાં વિસ્તારોને પણ ઇકો સેન્સીટીવ ઝોન કરવા અંગે વિચારણા ચાલી રહ્યાનું કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું. આ ઝોનનાં અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક કમિટી બનાવાશે. આ કમિટીનાં અન્ય સભ્યોમાં કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયનો એક પ્રતિનિધી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી, સ્થાનિક નગર નિયોજક અને નાયબ વન સંરક્ષકનો સમાવેશ કરાશે
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-girnar-have-27-villege-anounced-echo-sencitive-2103151.html
No comments:
Post a Comment