Source: Bhaskar News, Dhari | Last Updated 12:32 AM [IST](24/05/2011)
ધારી તાલુકાના જીરા (ડાભાળા) ગામે એક સિંહણે તેના બચ્ચા સાથે છેલ્લા પાંચ દિવસથી ધામા નાંખતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રાધીકાદાસ બાપુના આશ્રમ પાછળ સાડા નવે વાગ્યે સિંહ - સિંહણ દેખાયા હતાં. રાત્રીના સમયે ગામની અંદર ઘૂસી આવી ઢોરનું મારણ કર્યા બાદ બચ્ચા સાથે અજવાળું થાય તે પહેલા સિંહણ ત્યાંથી જંગલમાં જતી રહે છે. રાત્રીના સમયે ગામના અવેડા સુધી સિંહણ તેના બચ્ચા સાથે આવી જતી હોવાથી ગામના લોકો ડરી ગયા છે.
બે દિવસ પહેલા સિંહણના બચ્ચાઓ રમત રમતમાં થોડે દુર સુધી જતા રહેતા સિંહણે પોતાના આ બચ્ચા નજરમાં પડ્યા ન હતા અને તેજ સમયે એક યુવા ત્યાંથી પસાર થતા સિંહણ આ યુવાનની પાછળ દોડી હતી. જેથી યુવાન ગભરાઈને પાસેના એક ઝાડ પર બચવા માટે ચડી ગયો હતો. બપોર સુધી સિંહણ ઝાડ સામે બેસી રહેતા યુવાન પણ ઝાડ પર બેસી રહ્યો હતો. આ સમયે બચ્ચા નજરની સામે આવી જતા સિંહણ બચ્ચા સાથે જંગલમાં ચાલી ગઈ હતી. જો કે હજુ સુધી આ સિંહણે કોઈ માનવી પર હુમલો કર્યો નથી.
છેલ્લા પાંચેક દિવસથી સિંહણ તેના બચ્ચા સાથે ગામમાં આવી જતી હોય ગ્રામજનો પણ તેને છાને ખૂણે જોઈ લે છે. ગ્રામજનોનાં જણાવ્યાં મુજબ, સિંહણ તેના બચ્ચા સાથે ગામમાં આવતી હોવાથી તે તેના બચ્ચાની સુરક્ષા માટે હિંસક બને છે. તેને કારણે ગામલોકો પણ સિંહણને છંછેડતા નથી. સિંહણ મારણ કરી લીધા બાદ તે તેની રીતે જ બચ્ચા સાથે જંગલ તરફ જતી રહે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-came-in-amrelis-jira-village-2128062.html
No comments:
Post a Comment