Saturday, May 21, 2011

જીવ સટોસટનો જંગ: ઊના નજીક યુવાને સિંહણને હંફાવી

Source: Bhaskar News, Una   |   Last Updated 4:08 AM [IST](21/05/2011)
 - જીવ બચાવવા મરણીયો બની ડાબા પગથી પાટુ મારવા લાગતા સિંહણ પણ આક્રમક બની
ઊના તાલુકાના કાણકબરડા ગામનાં યુવાને સિંહણ સાથે જીવ સરોસટનો જંગ ખેલી પોતાનો જાન બચાવ્યો હતો. લોહી લુહાણ હાલતમાં તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. આ હુમલાના બનાવના પગલે વનખાતું પણ દોડી આવ્યું હતું.
આ દિલધડક બનાવની મળતી વિગત મુજબ ઊનાનાં કાણકબરડા ગામનો કોળી યુવાન માધાભાઈ ભુરાભાઈ સોલંકી (ઉ.વ.૪૦)તેના કાકા રાણાભાઈના આંબાવાડીયામાં કામ અર્થે ગયો હતો ત્યારે આંબાના ઝાડ પાછળ લપાઈને બેસેલી સિંહણે અચાનક તેની ઉપર હુમલો કરી તેનો જમણો પગ જડબામાં લઈ લીધો હતો. જો કે, માધાભાઈ એકક્ષણ હેબતાઈ ગયો હતો પરંતુ જીવ બચાવવા મરણીયો બની ડાબા પગથી પાટુ મારવા લાગતા સિંહણ પણ આક્રમક બની હતી. દરમ્યાન આંબાવાડીયામાં કામ કરતા મજુરોનું ધ્યાન પડતા તેને બચાવવા હોહા દેકારો કરતા દોટ મુક્તા સિંહણ નાસી છુટી હતી.
આ હુમલાથી માધાભાઈને જમણા પગની પીંડીમાં અને તિક્ષ્ણ નહોરથી હાથ-પગમાં ઈજા પહોંચી હતી. લોહી લુહાણ હાલતમાં તેને ૧૦૮ મારફત ઊના દવાખાને ખસેડાયો હતો. આ બનાવના પગલે જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી.આહીર, મારૂભાઈ, પોપટાણીભાઈ, દીનેશબાપુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ તકેદારીનાં પગલા લીધા હતા.
બચ્ચાંને સલામત જોયા બાદ સિંહણ શાંત બની –
આંબાવાડીયામાં બે બચ્ચા રમતમાં મશગુલ હતા ત્યારે માધાભાઈ ત્યાંથી પસાર થતા સિંહણે તેની ઉપર હુમલો કરી દીધો હતો. પરંતુ થોડા અંતરે ગમ્મત કરતા સિંહ બાળ તેની નજીક પહોંચતા અને બચ્ચાને સલામત જોતા સિંહણ શાંત બની હતી. અને માધાભાઈને પોતાનાં સંકજામાંથી મુક્ત કરી દીધો હતો.
બચ્ચાંવાળી સિંહણના માનવ વસાહતમાં જ ધામા -ગીર જંગલમાં બચ્ચાવાળી સિંહણ મોટા ભાગે ગ્રામ્ય પંથકના માનવ વસાહતમાં જ વસવાટ કરતી હોવાનો સુર વનખાતાએ પણ પુરાવ્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-battle-between-young-man-and-lioness-near-una-2120755.html

No comments: