Source: Jitendra Mandvia, Talala | Last Updated 2:19 AM [IST](19/05/2011)
જુનાગઢ, અમરેલી જિલ્લાના જંગલ વિસ્તાર અને રેવન્યુમાં ૨૦૦૬માં નોંધાયેલ ૪૧૦ની સંખ્યામાં પંદર ટકા વૃધ્ધિનો અણસાર
સમગ્ર રાજ્યમાં દીપડાની હાથ ધરાયેલ ત્રી-દિવસીય વસતી ગણતરી આજે સાંજે પાચ વાગ્યે પૂર્ણ થઈ હતી. દીપડાની જ્યાં વધુ વસતી છે તેવા ગીર અને ગીરનારમાં જંગલ વિસ્તાર અને બૃહદગીરનાં રેવન્યુ વિસ્તારોમાં જુનાગઢ અને અમરેલી જિલ્લામાં પાંચ વર્ષ પહેલા ૪૧૦ દીપડા નોંધાયા હતાં જેની સામે પાંચ વર્ષમાં દીપડાની સંખ્યામાં પંદર ટકાની વૃધ્ધી થઈ હોવાનું વનવિભાગના આંતરીક સર્વેમાંથી જાણવા મળ્યું છે. અને સંખ્યા બંન્ને જિલ્લામાં મળી ૪૮૦ આસપાસ થવાની સંભાવના છે.
ગીરના આરક્ષીત જંગલ અને ગીરનાર અભ્યારણ ઉપરાંત બૃહદગીરમાં હાથ ધરાયેલી દીપડાની વસતી ગણતરીમાં દીપડાનો સૌથી વધુ વસવાટ જ્યાં થાય છે. તેવા જુનાગઢ અને અમરેલી જિલ્લાનાં જંગલ વિસ્તારોમાં પાંચ વર્ષ દરમ્યાન દીપડાની સંખ્યામાં ખાસ્સો વધારો થયો હોવાનું જોવા મળેલ છે.
જુનાગઢ જિલ્લામાં ૩૧૧ અને અમરેલી જિલ્લામાં ૯૯ દીપડા મળી કુલ ૪૧૦ દીપડા ૨૦૦૬ની ગણતરીમાં નોંધાયા હતાં. જેની સામે પાંચ વર્ષમાં દીપડાની સંખ્યામાં પંદર ટકા જેટલા વધારા સાથે સંખ્યા ૪૮૦ સુધી પહોંચવાની શક્યતા જોવાઈ રહી છે.
રાજ્યભરમાં દીપડા, રિછની થયેલ ગણતરીનાં આંકડા સમગ્ર રાજ્યમાંથી એકત્રીત કરી વનવિભાગ સંપૂર્ણ રીપોર્ટ ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરશે અને ૩૧મીમેના રોજ રાજ્ય સરકાર તરફથી ગુજરાતમાં વસવાટ કરતા દીપડા અને રિછની સંખ્યાની વિગતો જાહેર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ૨૦૦૬ની ગણતરી દરમ્યાન ૧૦૭૦ દીપડા નોંધાયા હતા જે પાંચ વર્ષમાં દીપડાની સંખ્યા ૧૨૨૫ની પાર કરી જવાની સંભાવના છે.
દીપડાની વસ્તી નિયંત્રિત કરવા નસબંધી કરવાની ફરજ પડશે?
ગુજરાતમાં દીપડાઓની હાથ ધરાયેલી વસ્તી ગણત્રીમાં દીપડાની વસ્તીમાં ખાસ્સો વધારો થયો છે. એ સાથોસાથ માનવી પર દીપડાના હુમલાના બનાવમાં પણ જબરો વધારો નોંધાયો છે. જેથી દીપડાને માનવ વસાહતથી દૂર રાખવા માટે વનવિભાગે નક્કર એકશન પ્લાન ઘડી દીપડાની વસ્તીને નિયંત્રિત કરવા નશબંધી કરવા સુધીનો એકશન પ્લાન વનવિભાગ દ્વારા તૈયાર કરાનાર હોવાનું જાણવા મળ્યું છે.
વનવિભાગ દ્વારા લોકોનાં સહયોગ સાથેનાં આયોજનબદ્ધ પ્લાનમાં દીપડાનાં હુમલાઓનાં બનાવો મહદ્અંશે ઓછા થઇ શકે તો માનવ વસાહત સુધી પહોંચતાં દીપડાઓને પકડી જંગલમાં પહોંચાડવા અને દીપડાઓની સંખ્યા નિયંત્રિત કરવા દીપડાને નસબંધી કરવાની વિચારણા વનવિભાગ દ્વારા ચાલી રહ્યાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-of-counting-480-2116218.html
No comments:
Post a Comment