Source: Bhaskar News, Junagadh
- માતાની મમતા સામે સાવજ હાર્યો : સિંહનું કરોડરજજુ ભાંગી ગયું
ગિર પશ્ચિમ વન વિભાગ હેઠળ આવતી દેવળિયા રેન્જનાં અબુળી જંગલ વિસ્તારમાં ગઇકાલે બચ્ચાં સાથે ફરતી સિંહણ પાસે એક વનરાજ આવી ચઢ્યો હતો. સિંહ પોતાનાં બચ્ચાંને ખાઇ જશે એવા ડરને લીધે તેની સામે મોરચો ખોલી નાંખ્યો હતો. સિંહ-સિંહણ વચ્ચે થયેલી લડાઇ એટલી ખતરનાક હતી કે તેમાં અંતે સિંહની કરોડરજજૂ ભાંગી ગઇ હતી અને તે મોતને ભેટ્યો હતો. આ બનાવમાં સિંહણને પણ ઇજા પહોંચી હતી.
આ અંગેની વીગતો આપતાં ગિર પશ્ચિમ વન વિભાગનાં ડીએફઓ રમેશ કટારાએ જણાવ્યું હતું કે, દેવિળયા રેન્જમાં આવેલા અબુળી જંગલ વિસ્તારમાં ગઇકાલે બચ્ચાં સાથે ફરતી એક સિંહણ પાસે એક ડાલામથ્થો આવી ચઢ્યો હતો. સિંહણને ડર લાગ્યો કે તે પોતાનાં બચ્ચાંને મારીને ખાઇ જશે. આથી માતાની મમતા જાગી ઊઠી. સિંહણે સિંહ સામે મરણિયો જંગ માંડી દીધો હતો. પોતાનાં બચ્ચાંને બચાવવા મથતી સિંહણ અત્યંત ખુંખાર બની ગઇ હતી.
તેણે સિંહને એવી જોરદાર થપાટોનો પરચો આપ્યો કે સિંહની સમૂળગઇ કરોડરજજૂ ભાંગી ગઇ હતી. સિંહ-સિંહણ વચ્ચે ખેલાયેલા જંગ દરમ્યાન ડણકોથી જંગલ ગાજી ઉઠતાં વનકર્મચારીઓ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં ડીએફઓ રમેશ કટારા, એસીએફ મુલાણી સહિતનાં અધિકારીઓ પણ દોડી ગયા હતા. અને સિંહને ગંભીર હાલતમાં સાસણનાં એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. જ્યાં વેટરનરી તબીબ ડૉ. હીરપરાએ તેને સારવાર આપી હતી.
જોકે, ગંભીર ઇજાને કારણે સિંહ મોતને ભેટ્યો હતો. મોતને ભેટેલા સિંહની ઉંમર ૯ થી ૧૦ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં સિંહણને પણ ઇજા પહોંચી હોઇ તેને જંગલમાંજ સારવાર આપી છોડી મુકાઇ હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-battle-between-lioness-and-lion-to-save-child-lion-dies-2070640.html
No comments:
Post a Comment