Source: Bhaskar News, Junagadh-Visavadar | Last Updated 12:05 AM [IST](17/05/2011)
જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં દીપડાની સંખ્યા વધવાની શક્યતા છે. ગિરનારનાં જંગલમાં ચાલી રહેલી વસ્તી ગણત્રી અંતર્ગત આ વિસ્તારનાં વનઅધિકારીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. એકલા જૂનાગઢ તાલુકામાંજ આ કામગીરી માટે ૧૨૫ લોકો કામે લાગ્યાનું જાણવા મળ્યું છે.
રાજ્યભરમાં ચાલી રહેલી વસ્તી ગણત્રી અંતર્ગત પત્રકારોને આ અંગેની વીગતો આપતાં આર.એફ.ઓ. દીપક પંડ્યાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ તાલુકામાં દીપડાની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આજે તા.૧૬ મે નાં રોજ સાંજે પાંચ વાગ્યાથી જૂનાગઢ તાલુકાનાં ૪૩ વોટર પોઇન્ટો પર ૧-૧ વનકર્મીને તૈનાત કરાયો છે. તો ૫૦ સ્વયંસેવકો અને અન્ય અધિકારીઓ મળી કુલ ૧૨૫ લોકો દીપડાની વસ્તી ગણત્રી માટે મચી પડ્યા છે.
આજની ગણત્રી પ્રાથમિક પ્રકારની છે અને તે આવતીકાલ તા. ૧૭ નાં સવારે ૯ વાગ્યા સુધી ચાલશે. બાદમાં આવતીકાલે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનાર ગણત્રી તા. ૧૮ મે નાં રોજ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે અને તે ફાઇનલ પ્રકારની રહેશે. આ ગણત્રીની સંખ્યા જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં સૌથી વધુ દીપડા જૂનાગઢ તાલુકામાં -
ગુજરાત રાજ્યમાં દીપડાની સૌથી વધુ સંખ્યા જૂનાગઢ તાલુકામાં છે. અહીં અંદાજે ૭૦ થી ૧૦૦ દીપડાનો વસવાટ હોવાનો અંદાજ છે. એમ આર.એફ.ઓ. દીપક પંડ્યાએ જણાવ્યું છે.
૨૦૦૬ માં જિલ્લામાં ૩૧૧ દીપડા હતા -
વર્ષ ૨૦૦૬ માં યોજાયેલી દીપડાની વસ્તી ગણત્રી વખતે જૂનાગઢ જિલ્લામાં ૩૧૧ દીપડાનો વસવાટ હોવાનો અંદાજ લગાવાયો હતો.
કેવી રીતે થાય છે ગણતરી?
દીપડાની ગણત્રી માટે તેનાં પ્રત્યક્ષ દેખાવ, પગમાર્ક અને અવશેષ પદ્ધતિનો ઉપયોગ કરાય છે. જેતે વિભાગ દ્વારા વિસ્તારની રેન્જોનું સંકલન કરી ગણતરીનાં પોઇન્ટ નક્કી કરી સંબંધિત રેન્જોનાં કર્મચારીઓ ગણત્રી કરે છે. વનકર્મી જે દીપડાને પ્રત્યક્ષ નિહાળે તેની પત્રકમાં સમય સાથે નોંધ કરે છે. જ્યારે પગમાર્ક પદ્ધતિમાં પાણીનાં સ્ત્રોત કે તેની હાજરીની શક્યતાવાળા વિસ્તારોમાં તેનાં પગલાંની છાપને કામ, ટ્રેસીંગ પેપર ઉપર મેળવી પ્લાસ્ટર ઓફ પેરિસની મદદથી પ્લાસ્ટર કાસ્ટ તૈયાર કરાય છે. આ માટે ખાસ બોક્ષ પણ તૈયાર કરાય છે.
source: http://www.divyabhaskar.co.in/article/SAU-possibility-to-increase-number-of-leopard-in-junagadh-2109059.html
No comments:
Post a Comment