- Bhaskar News, Amreli
- Jun 28, 2015, 02:55 AM IST
- 9 સાવજોનાં મોત: નિલગાય કાળિયાર પહુ અને બાવળના જંગલનો પણ સફાયો થઇ ગયો
અમરેલી, ગાંધીનગર: અમરેલી પંથકમાં સર્જાયેલી જળ હોનારતને પગલે
વન્ય સૃષ્ટિને ભારે નુકશાન થયુ છે. ગુજરાત જેના પર ગૌરવ લે છે તે નવ નવ
સાવજોના મોતની ઘટના થયાનુ બહાર આવી ચુકયુ છે. આ ઉપરાંત 500થી વધુ નિલગાયોના
મૃતદેહ જયાંત્યાં વિખરાયેલા પડયા છે. કાળીયાર અને પહુ નામના હરણના
મોટામોટા ઝુંડ લીલીયા પંથકમાં વસતા હતા. તે પૈકી એકપણ હરણ હાલમા નજરે ચડતુ
નથી. અહીનુ બાવળનુ જંગલ પણ સાફ થઇ ગયુ છે.
અમરેલી જિલ્લામાં વન્યજીવ સૃષ્ટિ બે વિભાગમા વહેચાયેલી છે. લોકોની
સામાન્ય સમજ એવી છે કે ગીર જંગલમાં જ વન્યજીવો વસે છે. પરંતુ સિંહ, દિપડા,
હરણ, નિલગાય જેવા વન્યપ્રાણીઓ મોટી સંખ્યામા અમરેલી જિલ્લાના રેવન્યુ
વિસ્તારમા અને ખાસ કરીને ક્રાંકચના બાવળોના જંગલમા વસી રહ્યાં છે. ગીરની
વન્ય સંપદાને ભલે વાંધો ન આવ્યો પરંતુ અમરેલી, લીલીયા અને સાવરકુંડલા
તાલુકામા વન્ય સંપદાની ખાનાખરાબી સર્જાઇ છે. અમરેલીના બાબાપુર, ચાંદગઢ,
લીલીયાના ક્રાંકચ, શેઢાવદરથી લઇ છેક સાવરકુંડલા તાલુકામા મોટી સંખ્યામા
સાવજો વસે છે.
ક્રાંકચ પંથકમાં શેત્રુજીના કાંઠે 40 સાવજોનુ વિશાળ ગૃપ છે. શેત્રુજીએ
માત્ર સિંહ જ નહી સિંહ જેના પર નભે છે તે નિલગાય, કાળીયાર, પહુ જેવા પશુ
ઉપરાંત અહીના બાવળના જંગલનુ પણ પાલન પોષણ કર્યુ છે. પરંતુ હવે અહી બધુ સાફ
થઇ ગયુ છે. અત્યાર સુધીમાં નવ સિંહોના મોતની વિગત બહાર આવી છે જે પૈકી આઠ
મૃતદેહ મળ્યાં છે. ઉપરાંત અહીની બાવળની કાટમાં ડગલેને પગલે નિલગાયના
મૃતદેહો વિખરાયેલા પડયા છે. 500 થી વધુ નિલગાયો મૃત્યુ પામી છે. આ
વિસ્તારમાં 300 કાળીયાર હરણ હતા. અને 100થી વધુ પહુ તરીકે ઓળખાતા હરણ હતા.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અહી એકપણ હરણ નજરે ચડયા નથી.
જંગલ અને જંગલી જાનવર બધું સાફ થઈ ગયું
09 કાંક્રચ વિસ્તારમાં સાવજોના મોત
500 નિલગાયના મૃતદેહ જયાં ત્યાં પડયા છે
100 પહુ (હરણ) હતા એકેય નજરે ચડયુ નથી
300 કાળીયાર વસતા હતા હવે નજરે ચડતા નથી
સાવજોનું રહેઠાણ- બાવળની કાઠ તબાહ
લીલીયા તાલુકાના ખારાપાટમા બાવળની ગીચ અને અડાબીડ કાઠ સાવજોને રહેઠાણ પુરૂ પાડતી હતી. આ એક પ્રકારનુ જંગલ જ હતુ પરંતુ આ કાઠ પણ તબાહ થઇ ગઇ છે. જંગલ હર્યુભર્યુ થતા લાંબો સમય લાગશે.
બેથી ત્રણ દિવસમાં રાહત-બચાવ પૂર્ણ થશે
અમે ફસાયેલા પ્રાણીઓને સલામત ખસેડવા અને ઇજા પામેલા પશુઓને સારવાર મળે તે માટે કામગીરી ચાલુ કરી છે. કાદવ અને ગાંડા બાવળના ઝૂંડના કારણે રાહત-બચાવ કામગીરીમાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. બેથી ત્રણ દિવસમાં અમે આ સમગ્ર વિસ્તારની શું સ્થિતિ છે તેનો રિપોર્ટ સરકારને આપીશું. > એ.સી.પંત, રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન
No comments:
Post a Comment