Tuesday, June 30, 2015

અમરેલીમાં રાજમાતા તરીકે ઓળખાતી સિંહણ સહિત 27 ‘ડાલામથા’ નજરે ચડ્યા.

અમરેલીમાં રાજમાતા તરીકે ઓળખાતી સિંહણ સહિત 27 ‘ડાલામથા’ નજરે ચડ્યા
  • Bhaskar News, Amreli
  • Jun 30, 2015, 10:30 AM IST
અમરેલી: થવાનુ હતું તે થઇ ગયુ. અહીંના સાવજો ખેદાન મેદાન થયા. પરંતુ હવે સાવજોની આગલી પેઢી ફરી અમરેલીને ગૌરવ અપાવશે. આ આગલી પેઢી દેશભરના લોકોનું આકર્ષણ બનશે. કારણ કે આશાનુ ઉજળુ કિરણ દેખાયું છે. અત્યાર સુધીમાં ભલે 12 સાવજોના મોત થયાનુ બહાર આવ્યુ છે, પરંતુ આશાનુ કિરણ એ છે કે 27 જેટલા સાવજો જીવિત હાલતમાં તંત્રને નજરે ચડ્યા છે. નઘરોળ વનતંત્રનો ભરોસો કરવા જેવું નથી, આમ છતાં આશા રાખીએ વનતંત્ર સાચુ કહે છે.
તબાહીમાં પણ આશાનુ કિરણ 27 સા
વજો નજરે ચડ્યા
- વધુ એક સિંહનો મૃતદેહ ઘોબામાંથી મળતા મૃત્યુઆંક 12
- 1લી જુલાઇએ પ્રાણીઓ માટેનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ
ક્રાંકચ પંથકના બચેલા સાવજો નોંધારા નથી, કારણ કે રાજમાતા હયાત છે. જે સિંહણે દોઢ દાયકા જેવા સમયથી આ વિસ્તારમાં સાવજોનો દબદબો રાખ્યો અને સાવજ પરિવાર જેનાથી ફાલ્યોફુલ્યો તે કોલર આઇડી સિંહણ આખરે નજરે પડી છે. અને તે પણ પરિવાર સાથે. અહીં સાવજ પરિવારમાંથી 12 સાવજો મોતને ભેટ્યાં છે. ત્યારે બાકીના સાવજો વિશે સૌ કોઇ ચિંતિત હતા. પરંતુ રાજમાતા તરીકે ઓળખાતી રેડિયો કોલર સિંહણ તેના બે સિંહબાળ અને એક પાઠડી સિંહણ સાથે ભોરીંગડા પંથકમાં નજરે પડી છે.

આવી જ રીતે ક્રાંકચના ખળખળ વિસ્તારમાં એક સિંહ, એક સિંહણ અને ત્રણ સિંહબાળ નજરે પડ્યા છે. બેલા વિસ્તારમાં એક કદાવર સિંહ છે. ચાંદગઢમાં બોખો સિંહ નજરે ચડ્યો છે. ભોરીંગડા કુતાણા વચ્ચે રાતડી તરીકે ઓળખાતી સિંહણ અને બે પાઠડા, લોંકામા બે પાઠડા અને ઇંગોરાળામા સિંહ અને સિંહણ, કેરાળામા સિંહણ અને તેના ત્રણ બચ્ચા સહિત કુલ 27 જેટલા સાવજો આ વિસ્તારમા હોવાની હાજરી નોંધાઇ છે. ગઇકાલે ડીએફઓ ગુર્જરે પણ જણાવ્યું હતુ કે 27 સિંહોને લોકેટ કરી લેવાયા છે. હજુ પણ કેટલાક સિંહો અને સિંહબાળની ભાળ મળી નથી. ચાંદગઢની સિંહણ અને બે બચ્ચા લાપતા છે જે ચિંતાનો વિષય છે.
-લાખોના ખર્ચે પહેરાવાયેલા કોલર આઇડી બંધ

લીલીયામા રાજમાતા તરીકે ઓળખાતી સિંહણને રૂ.1.80 લાખના ખર્ચે કોલર આઇડી 2008માં પહેરાવવામા આવ્યો હતો, જે ગણતરીના મહિનામા બંધ થઇ ગયો હતો. 2014મા એક અન્ય સિંહણને કોલર આઇડી લગાવાયો હતો. જે પણ બંધ થઇ ગયો છે અને ઘંટીના પડની જેમ ગળામા લટકી રહ્યો છે. આ કોલર આઇડી શરૂ હોત તો સિંહોનુ લોકેશન ઝડપથી જાણી શકાયુ હોત.

-ઘોબામાંથી સિંહનો મૃતદેહ મળ્યો

નિભંર વનતંત્રએ સાવરકુંડલાના ઘોબામાંથી ગઇકાલે એક સિંહણનો મૃતદેહ મળ્યો હોવા છતા આસપાસના વિસ્તારની પુરી ચકાસણી ન કરી. આખરે આજે ગામની સીમમાંથી ખોડિયારમાંની વીડીમાંથી સરપંચ દિલુભાઇ ખુમાણના ખેતર નજીક વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો. આ સિંહનુ તણાઇ જવાથી મોત થયુ હતુ.

આગળ વાંચો અત્યારસુધીમાં કયાં કયાંથી મૃતદેહો મળ્યાં ?
-અત્યારસુધીમાં કયાં કયાંથી મૃતદેહો મળ્યાં ?

-25/6/15    લીલીયાના બવાડી નજીકથી સિંહણ
-26/6/15    પાલિતાણા નજીકથી સિંહ અને સિંહણ
-26/6/15    ક્રાંકચ નજીકથી સિંહ તથા સિંહબાળ
-26/6/15    પીપરડી નજીકથી સિંહણ
-27/6/15    ચાંદગઢ નજીકથી સિંહ
-27/6/15    પીંગળી નજીકથી સિંહ
-28/6/15    બવાડા નજીકથી સિંહણ
-28/6/15    તળાજા નજીકથી સિંહણ
-28/6/15    ઘોબા નજીકથી સિંહણ
-29/6/15    ઘોબા નજીકથી સિંહ

No comments: