Tuesday, June 30, 2015

અમરેલી: હજુ અનેક ગામોમાં અંધારપટ્ટ, પશુઓનાં મૃતદેહો રઝળે છે.

અમરેલી: હજુ અનેક ગામોમાં અંધારપટ્ટ, પશુઓનાં મૃતદેહો રઝળે છે
Bhaskar News, Amreli
Jun 26, 2015, 23:29 PM IST
 
- જિલ્લામાં આવેલી અતિવૃષ્ટિને પહોંચી વળવા તંત્ર નિષ્ફળ

અમરેલી : અમરેલી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને પગલે ભારે ખાનાખરાબી સર્જાણી છે. બુધવારે આવેલા ભારે વરસાદથી ધારી, બગસરા, કુંકાવાવ, વડીયા, સાવરકુંડલા, લીલીયા સહિતના પંથકમા ભારે વિનાશ વેરાયો છે. અનેક મકાનો ધરાશાયી થતા લોકો બેઘર બની ગયા છે તો દુકાનોમાં પાણી ઘુસી જતા તેમજ વાડી ખેતરોનુ ધોવાણ થતા વ્યાપક પ્રમાણમાં નુકશાની પહોંચી છે ત્યારે અસરગ્રસ્તોને મદદરૂપ થવા તંત્ર જાણે નિષ્ફળ નિવડયુ હોય તેમ જોવા મળી રહ્યું છે. હજુ અનેક ગામોમા અંધારપટ છવાયો છે તો અનેક પશુઓના મૃતદેહો રઝળી રહ્યાં છે. અનેક ગામોમા હજુ સુધી કોઇ મદદ મળી ન હોય લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.

અમરેલી જિલ્લામા અચાનક આવી પડેલા મેઘકહેરથી મોટાભાગના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જાણી છે. ખાસ કરીને બગસરા, કુંકાવાવ, વડીયા, ધારી તેમજ લીલીયા પંથકમાં ભારે નુકશાની પહોંચી છે. ભારે વરસાદના કારણે અનેક માર્ગોનુ ધોવાણ થયુ છે અનેક વિજપોલ ધરાશાયી થયા છે. તો અનેક મકાનો પણ પડી જતા ગરીબ લોકો બેઘર બની ગયા છે. મોટી સંખ્યામા પશુઓના મોત નિપજયા છે. ત્યારે વહિવટી તંત્ર હજુ સુધી અસરગ્રસ્તોની મદદે પહોંચી શકયુ ન હોય લોકરોષ જોવા મળી રહ્યો છે.

અતિવૃષ્ટિમાં અનેક લોકો મોતને ભેટયા છે. હજુ પણ અનેક લોકો લાપતા હોવાનુ જાણવા મળી રહ્યું છે. વહિવટી તંત્ર અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડવામા નિષ્ફળ નિવડયુ છે. અનેક ગામોમા હજુ સુધી અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના ફિકાદ, બોરાળા, ઘોબા સહિતના ગામોમા હજુ સુધી વહિવટી તંત્ર દ્વારા સહાય ન મળ્યાંનુ લોકો જણાવી રહ્યાં છે.

અનેક ગામોમાં હજુ સુધી અધિકારીઓ ડોકાયા નથી
બગસરા, કુંકાવાવ, વડીયા સહિતના અનેક ગામોમા ભારે વરસાદને પગલે તારાજી સર્જાણી છે. અહી અનેક કાચા મકાનો પડી ગયા હોય તેમજ ખોરાક, પાણીની પણ જરૂરિયાત હોય હજુ સુધી વહિવટી તંત્ર ગામ સુધી પહોંચી શકયુ નથી. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી મંડળો ફુડ પેકેટ લઇ ગામ સુધી પહોંચી ગયા છે.

No comments: