Tuesday, June 30, 2015

અમરેલી જીલ્લામાં સર્જાયેલા જળ પ્રલયમાં મૃત્યુઆંક 36 થયો, 14 હજુ લાપતા.

અમરેલી જીલ્લામાં સર્જાયેલા જળ પ્રલયમાં મૃત્યુઆંક 36 થયો, 14 હજુ લાપતા
Bhaskar News, Amreli
Jun 26, 2015, 00:53 AM IST
 
- અમર ડેરીમાં અચાનક ધસી આવેલા ધસમસતા પુરે 64 લોકોના જીવ પડીકે બાંધી દીધા

અમરેલી : ગઇકાલે અમરેલી જીલ્લામાં સર્જાયેલા જળ પ્રલયે જાન-માલની કેટલી ખુંવારી સર્જી તેનો તંત્રને કોઇ અંદાજ નથી. હવે સ્થિતી એવી છે કે ક્યાયથી કોઇ લાશ મળે તો તંત્ર મૃત્યુઆંકમાં એકનો ઉમેરો કરી રહ્યુ છે. આજે પણ એક પછી એક જુદા જુદા સ્થળેથી લાશો મળી આવવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો. જેને પગલે મૃત્યુ પામેલા અને તણાયેલા લોકોની સંખ્યા 42 પર પહોંચી છે. જ્યારે નદીઓના પટ અને કાંઠા વિસ્તારો ખુંદવામાં આવશે ત્યારબાદ જ માનવ મૃત્યુનું સાચુ ચિત્ર સ્પષ્ટ થશે.
 
અમરેલીના ભંડારીયામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયના એક શિક્ષકની પત્ની, પુત્ર અને પુત્રી ગઇકાલે અચાનક જ આવી ગયેલા પુરમાં તણાઇ ગયા હતાં. પુત્રીની ગઇકાલે લાશ મળી હતી જ્યારે આ શિક્ષકના પત્નીની લાશ આજે મળી આવી હતી. જ્યારે તેમના પુત્રનો તો હજુ કોઇ અત્તો-પત્તો નથી. આવી જ રીતે ગઇકાલે સાવરકુંડલાના સ્ટેમ્પ વેલ્ડર હરેનભાઇ ગાંધી પોતાની કાર સાથે લાપાળીયા નજીકથી તણાઇ ગયા હતાં. આજે તેમની લાશ મળી આવી હતી.
 
આ ઉપરાંત ક્રાંકચના શેત્રુજીના પટમાંથી મુસ્લીમ આધેડની લાશ મળતા ક્રાંકચ દવાખાને ખસેડાઇ હતી. જ્યારે શેત્રુજીમાંથી મળેલી બે લાશને લીલીયા દવાખાને લવાઇ હતી. આવી જ રીતે અમરેલીના પીપળલગ નજીકથી આદિવાસી પરિવારના ત્રણ સભ્યોની લાશ મળી આવી હતી. હજુ પણ તંત્રના ચોપડે નવ લોકો લાપતા છે. જ્યારે 33ના મોતની પુષ્ટી થઇ છે. લીલીયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નદીના પટમાં પાણી ભરેલા હોવા ઉપરાંત કાંઠાળ વિસ્તારમાં બબ્બે-ત્રણ-ત્રણ ફુટનો કીચડ જામી ગયો છે. જ્યાં તંત્ર પહોંચી શક્યુ નથી.
 
અડધી કલાક સુધી મોત સામે ઝઝુમ્યા બાદ આખરે યુવાન હારી ગયો
શેત્રુજીના પાણીએ અમરેલીમાં જાણે જળપ્રલય સર્જયો હતો. અમરેલી નજીક આવેલ અમરડેરીમાં અચાનક જ પાણીનો જોરદાર પ્રવાહ ઘુસી આવતા અહી કામ કરતા લોકો અને કર્મચારીઓ પર મોતનો ગંભીર ખતરો મંડરાયો હતો. 64 લોકો દોડીને તુરંત અમર ડેરીની છત પર ચાલ્યા ગયા હતા પરંતુ મહેન્દ્રસિંહ નામનો કન્ટેઇનરનો ડ્રાઇવર પહોંચી ન શકતા ઝાડ પર લટકી ગયો હતો. જો કે કાળ તેને બોલાવતો હોય તેમ આખરે તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

જાણવા મળતી વિગત અનુસાર બધાની નજર સામે જ આ યુવાન અડધી કલાક સુધી ઝાડ પર લટકતો રહ્યો હતો. નીચે પાણીનો તેજ પ્રવાહ વહેતો હતો. છત પરથી 64 લોકો પૈકી તેને કોઇ બચાવી શકે તેમ ન હતુ. દોરડા નાખીને બચાવવાનો પ્રયાસ કરાયો પરંતુ અડધી કલાક સુધી બધાની નજર સામે આ યુવાને બાથ ભીડયા બાદ આખરે તેની શકિતએ પણ દાદ દઇ દીધી અને હાથ છુટી જતા તે ધસમસતા પાણીમા ગરક થઇ ગયો હતો. હજી સુધી આ યુવકની કોઇ ભાળ મળી નથી.

No comments: