- જળ સંગ્રહ દ્વારા જળ સંકટ દૂર કરવાનો ખીમજીભાઇ જમનાદાસ છત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટનો સરાહનીય પ્રયાસ
- જૂનાગઢ શહેરમાં 2000 બોર, કૂવા રિ ચાર્જનું લક્ષ્યાંક, 80 નું કામ પૂર્ણ, હજુ આવતી અરજી મુજબ થશે કામગીરી
- ગત વર્ષે ખેડૂતોનાં સર્વે કરતાં પાણીનાં તંગીનાં અભાવે પાક ન લઇ શકયાનું જણાતા વિચાર આવ્યો
Divyabhaskar.com
Jul 01, 2019, 07:13 AM ISTજળસંગ્રહ એ પાણીની તંગીને દૂર કરવાનો એકમાત્ર ઉપાય
હકીકત એ છે કે, પૂરતો વરસાદ થવા છતાં પણ જળ સંગ્રહ ન થવાના કારણે તળ ડૂકી જાય છે. એક તો કૂવા, બોરમાંથી સતત પાણી ઉલેચતા રહીએ છીએ પરંતુ રિચાર્જ કરવાની તસ્દી લેતા નથી. બીજી તરફ શહેરની મોટાભાગની ગલી, શેરીમાં સીસી રોડ થઇ જતા પાણી જમીનમાં ઉતરતું નથી અને સિદ્ધુ ગટરમાં કે દરિયામાં વહી જાય છે જેથી તળ વ્હેલા ડૂકી જાય છે. ત્યારે પાણીની તંગીને દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે વરસાદી જળ સંગ્રહ. બસ, માટે જ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં 2000 કૂવા, બોરના રિ ચાર્જનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે જેમાંથી 80નું કામ પુર્ણ થઇ ગયું છે. હજુ જેમ અરજી આવશે તેમ કામગીરી કરાશે.
જિલ્લાનાં ખેતરો, કુવામાં પણ રિચાર્જ
શહેરજનો ઉપરાંત જિલ્લાના ખેડૂતો કૂવા રિ ચાર્જ કરે તો પણ તેમને 1500નું ઇનામ અાપી પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં જે જમીન નજીક ખેત તલાવડી હોય કે નહેર પસાર થતી હોય ત્યાં કૂવા રિચાર્જ સિસ્ટમ લગાવવાનું કહેવામાં આવે છે. આ માટે 50 ખેડૂતોના કૂવા રિ ચાર્જનું લક્ષ્યાંક છે જેમાંથી 9 નું કામ થઇ ગયું છે, 9 ખેડૂતોનું કામ ચાલું છે. બાકીની અરજી આવ્યા મુજબ કામ કરીશું.
કઇ રીતે લાભ મેળવી શકાય છે ?
યોજનાના લાભ માટે 8140153981 નંબર પર જાણ કરવામાં આવે. પછી સંસ્થાના પ્રતિનિધીઓ સાઇટ જોઇ પ્લાન આપે છે. આ પ્લાન મુજબ કામગીરી પૂર્ણ થાય એટલે 1500નું રોકડ ઇનામ આપવામાં આવે છે. આમ જૂનાગઢનાં શહેરીજનો તેમજ ખેડૂતો કુવા, બોર રિચાર્જ કરી ઇનામનાં હકદાર બની શકે છે.
કઇ રીતે થાય છે રિચાર્જ ?
કૂવા, બોર ફરતે 10 બાય 10ની કુંડી બનાવવામાં આવે છે. આ કુંડીમાં મોટા પત્થર, નાના પત્થર, કપચી, રેતીના થર કરવામાં આવે છે અને પછી તેમાંથી કૂવામાં પાઇપ લાઇન ફિટ કરવામાં આવે છે. વરસાદમાં કૂંડી ભરાતા પત્થર અને રેતીના થરના કારણે કચરો ગળાઇ જાય છે અને માત્ર પાણી જ કૂવામાં જાય છે.
પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના
અમારી એનજીઓ દ્વારા ગત વર્ષે સર્વે કરવામાં આવતા જાણવા મળ્યું કે, અમુક પાક માટે જમીન સારી છે, ખેડૂતો મહેનતકશ છે પરંતુ પાણીની તંગી હોવાના કારણે ખેડૂતો પાક લઇ શકતા નથી. બસ, ત્યારથી પાણી સંગ્રહ માટેનો પ્રોજેકટ તૈયાર કર્યો અને તેને લોકો સહેલાઇથી અપનાવે તે માટે પ્રોત્સાહક ઇનામ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/prize-of-1500-for-water-storage-in-water-bore-and-well-1561945922.html
No comments:
Post a Comment