Wednesday, July 31, 2019

75 સિંહોને 24 કલાકમાં બે વાર લોકેશન બતાવતાં રેડિયો કોલર લગાવાયા

radio caller installed to 75 lions it have been seen two times location in 24 hours

  •  જર્મનીનું રેડિયો કોલર બેટરી ઓપરેટેડ, બેટરી પૂરી થાય એટલે કાઢી લેવાનું

Divyabhaskar.com

Jul 14, 2019, 12:13 PM IST
જૂનાગઢ: સિંહોનાં ગળામાં રેડિયો કોલર પહેરાવી તેના આખા ગૃપને ટ્રેક કરવામાં આવે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સાસણ ખાતે જેની જાહેરાત કરી હતી એ જર્મનીનાં આધુનિક રેડિયો કોલર પહેરાવવાની કામગિરી પૂરી થઇ ગઇ છે. સૌરાષ્ટ્રનાં 5 જિલ્લામાં ફરતા તમામ સાવજોનાં ગૃપોનાં કુલ 75 સિંહોને આ રેડિયો કોલર પહેરાવાયા છે. જેનું મોનિટરિંગ સાસણથી થાય છે.
એક ગૃપમાં એક સિંહ એમ કુલ 75 સિંહોને આ રેડિયો કોલર લગાવાયા
ભાવનગરથી માંડીને ગીર સુધીનાં તમામ જિલ્લાઓમાં ફરતા સિંહોનાં ગૃપો હવે વનવિભાગની નજર હેઠળ આવી ગયા છે. એક ગૃપમાં એક સિંહ એમ કુલ 75 સિંહોને આ રેડિયો કોલર પહેરાવી દેવાની કામગીરી પૂરી થઇ ગઇ છે. આ રેડિયો કોલર અંગે સીસીએફ વસાવડા કહે છે, આ સાવજોનું મોનિટરિંગ જ્યાં થાય છે એ સેન્ટર સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. એજ રીતે સિંહના ગળામાં રહેલું રેડિયો કોલર પણ સીધું જ સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. જ્યારે સેટેલાઇટ ગીર પરથી પસાર થાય ત્યારે તે આ રેડિયો કોલરનું સ્થાન ડીટેક્ટ કરે. આ વખતે રેડિયો કોલરમાં જે ટાઇમર ગોઠવેલું હોય એ સમયે રેડિયો કોલર પણ પોતાનું લોકેશન દર્શાવતું સીગ્નલ સેટેલાઇટને મોકલે. એ રીતે રેડિયો કોલર થકી સિંહનાં આખા ગૃપનું સ્થાન જેતે સમયે ક્યાં છે એ નક્કી થાય.
બેટરી પૂરી થઇ જાય એટલે સિંહના ગળામાંથી કાઢી લેવાનું
અત્યારે 24 કલાકમાં બે વખત આ રેડિયો કોલર તેનું સ્થાન સેટેલાઇટને મોકલે એવી રીતે તેને સેટ કરાયું છે. જોકે, તેનો રીયલ ટાઇમ ડેટા આમાં નથી આવતો. વધુમાં તેઓ કહે છે, આ રેડિયો કોલર બેટરી ઓપરેટેડ હોય છે. તેની બેટરીને ચાર્જ કરવાની હોતી નથી. એક વખત પહેરાવી દેવાયું એટલે 2-3 વર્ષ સુધી તે કામ આપે. પછી બેટરી પૂરી થઇ જાય એટલે સિંહના ગળામાંથી કાઢી લેવાનું.
મોનિટર પર પોઇન્ટ દેખાય છે
દરેક રાઉન્ડનાં ફોરેસ્ટરને તેના વિસ્તારમાં સિંહનું લોકેશન જાણવા માટે આ માટેનાં ખાસ ડિવાઇસ અપાયા છે. પાંચ જિલ્લામાં ફરતા તમામ ગ્રૂપનાં કુલ 75 જેટલા સાવજોને રેડિયો કોલર પહેરાવી દેવામાં આવ્યા છે.આ રેડિયો કોલરનું સ્થાન નક્કી કરેલા સમયે મોનિટર પર પોઇન્ટના સ્વરૂપમાં દેખાય છે.
75 કોલર એકસાથે જોવા કસરત કરવી પડે
મોનિટર પર આખા ગિરના નકશામાં એક સાથે 75 નહીં, પણ જુદા જુદા વિસ્તારમાં પોઇન્ટ ક્યાં છે એ જુદા જુદા સમયે દેખાય છે. મોનિટર પર બેઠેલો ઓપરેટર દરેક વિસ્તારનો એક પછી એક વારા પ્રમાણે જેતે વિસ્તારમાં ક્યા સમયે ક્યું રેડિયો કોલર ક્યાં હતું તેની નોંધ રાખે છે. અને પછી તેને કમ્પાઇલ કરે છે. એક સમયે એકસાથે 75 પોઇન્ટો ક્યાં ક્યાં હતા એ જોવા માટે ઓપરેટરે કસરત કરવી પડે છે.
અભ્યારણ્યની આસપાસના વિસ્તારોનાં ગૃપોને પહેલાં પહેરાવાયા
ગિર અભ્યારણ્યની આસપાસના વિસ્તારોમાં વિહરતા સાવજોનાં ગૃપોને રેડિયો કોલર લગાવવા માટે પહેલાં પસંદ કરાયા હતા. હવે તો પાંજરાની બહાર ફરતા 5 જિલ્લાનાં તમામ 75 ગૃપો આ મોનિટરિંગ સીસ્ટમ હેઠળ આવી ચૂક્યા છે. એમ પણ સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/radio-caller-installed-to-75-lions-it-have-been-seen-two-times-location-in-24-hours-1563087412.html

No comments: