Saturday, October 27, 2007

ગિરનાર જંગલના ખૂલ્લા કૂવાઓને રક્ષિત કરવાની કામગીરી શરૂ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૨૨
વિશ્વભરમાં એકમાત્ર સોરઠ પ્રદેશમાં જ એશિયાઈ કેસરી સાવજોનો વસવાટ છે અને લુપ્ત થતી જતી સિંહની આ પ્રજાતીને બચાવવા માટે ઉચ્ચ કક્ષાએથી સઘન પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે જંગલ વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવાઓમાં પડીને વનરાજોના મૃત્યુ થતા હોવાના બહાર આવી રહેલા બનાવો બાદ જંગલ વિસ્તારના ખુલ્લા કુવાઓને રક્ષીત કરવાના લેવાયેલા નિર્ણય અંતર્ગત ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવાઓને રક્ષીત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પૌરાણીક અને પરંપરાગત પરિક્રમાના દિવસો પણ નજીક આવી રહ્યા છે ત્યારે વનખાતાએ વરસાદથી નુકશાન પામેલ રસ્તાને રિપેર કરવાની હાથ ધરેલી કામગીરી પણ લગભગ ૬૦ ટકા જેટલી પૂર્ણ થઈ જવા પામી છે.

ગીર જંગલ ઉપરાંત સિંહોએ જયાં વસવાટ કરે છે એવા ગિરનાર જંગલના ખુલ્લા કુવાઓને રક્ષીત કરવાની શરૂ થઈ રહેલી કામગીરી વિશે ગિરનાર જંગલની ઉતર રેન્જના આર.એફ.ઓ. એસ.કે.જાડેજાના જણાવ્યા અનુસાર હાલ પુરતુ એક કુવાના બોક્ષ બનાવવાની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે અને ધીમે ધીમે સી.એફ. શ્રી શર્મા તથા ઈન્ચાર્જ ડી.સી.એફ. બી.ટી.ચઢાસણીયાના માર્ગદર્શન હેઠળ ૧પ જેટલા
ખુલ્લા કુવાઓને સંપૂર્ણ રક્ષીત કરી દેવામાં આવશે.બીજી તરફ વન વિભાગ દ્વારા ગિરનારના પરિક્રમાના માર્ગ અને સકર્યુલર રૂટને રિપેર કરવાની હાથ ધરાયેલી કામગીરી અંગે વનખાતાના વિજય યોગાનંદીના જણાવ્યા અનુસાર ઉતર રેન્જના આર.એફ.ઓ. એસ.કે.જાડેજા અને દક્ષીણ રેન્જના આર.એફ.ઓ. એન.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ ભારે વરસાદથી ક્ષતીગ્રસ્ત થયેલ રસ્તાને રિપેર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભારે વરસાદને લીધે આશરે પ કી.મી. જેટલા ગિરનાર પરિક્રમા માર્ગ અને ૩ કી.મી. જેટલા સકર્યુલર રૂટમાં ઠેર ઠેર વ્યાપક નુકશાની થવા પામી છે.જેને રિપેર કરવા માટે વન ખાતાએ હાથ ધરેલી કામગીરી લગભગ ૬૦ ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ટુંક સમયમાં પરિક્રમા શરૂ થાય તે પહેલા જ કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. હાલમાં ગિરનાર જંગલ વિસ્તારનો સમગ્ર કાફલો આ કામગીરીમાં જોતરાઈ ગયો છે.

અત્રે નોંધનીય છે કે કઠીયારા પ્રથા બંધ થયા બાદ જંગલના રક્ષણ માટે ધીમે ધીમે કામગીરી હાથ ધરાઈ છે. ગિરનાર જંગલમાં પાણીના પુરતા સ્ત્રોત માટે અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ ચેકડેમો બંધાયા છે. તેમજ ગિરનાર જંગલ નજીકની કબુતરી ખાણોમાં પણ આયોજન કરી પાણી માટેની પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જૂનાગઢ વન વિભાગને જંગલની ગીચતા માટે રાષ્ટ્રીય કક્ષાનો ઈન્દીરા ગાંધી પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવોર્ડ તથા જળ સ્ત્રોતના વિકાસ માટે ટેરી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
તો શિવરાત્રીના મેળા અને પરિક્રમા અંતર્ગત ઈકો ટુરીઝમ યોજના હેઠળ યાત્રાળુની મુશ્કેલી નિવારવા પરિક્રમા માર્ગ પર કોઝ વે, પુલ, ચઢાણવાળી જગ્યાઓ પર પગથીયા તેમજ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની સાથે સાથે ટુરીઝમના વિકાસ માટે ગિરનારના પગથિયે વનકુટીરો બની રહી છે. બીજી તરફ સિંહોના રક્ષણ માટે ગામડાઓમાં વન વિકાસ સમિતિઓની રચના કરવામાં આવી છે. ગિરનાર જંગલ વિસ્તારના બોર્ડરના ગામડાઓના ગ્રામજનોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સિંહો તથા વન્ય પ્રાણીઓ અને જંગલના રક્ષણ માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.

No comments: