Saturday, October 20, 2007

એશિયાઈ સિંહોના ગિરના ખેડુતે વીજ શોકથી પાંચ સિંહોને મારી ખેતરમાં દાટી દીધા.

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૧૯ :
ગત તા.૩ માર્ચ અને ૩૦ માર્ચના રોજ વિશ્વ વિખ્યાત ગીર જંગલમાંથી છ એશિયાઈ સાવજોના શિકારની ખળભળાટ મચાવનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આજે ગીર જંગલના ધારી નજીકના પ્રેમપરા ગામની સીમમાં એકી સાથે પાંચ - પાંચ સાવજોની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા વધુ એક વખત સમગ્ર રાજયભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાડીમાં ગોઠવાયેલ ઈલેકટ્રીક વિજ વાયરોમાં ત્રણ સિંહણ અને બે બચ્ચાઓનું ઈલેકટ્રીક શોકથી તરફડી તરફડી મૃત્યુ થયા બાદ વાડીમાં જ દફનાવી દેવાની ઘટના બહાર આવી છે.વિશ્વભરમાં એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર જંગલમાં ગત માર્ચ માસમાં બબ્બે વખત ત્રણ - ત્રણ મળી કુલ છ સિંહોના શિકારની ચોંકાવનારી ઘટનાઓનો પર્દાફાશ થયા બાદ આજે પાંચ - પાંચ સિંહોની હત્યાની હચમચાવી દેનારી બહાર આવેલી ઘટના અનુસાર ગીર (પૂર્વ) વન વિભાગ હેઠળના ધારી ગામથી ૩ કી.મી. અને પ્રેમપરા ગામથી દોઢ કીમી દુર પ્રેમપરા ગામની સીમમાં ૮ વિઘાનું ખેતર ધરાવતા દુર્લભ શંભુ વાડોદરીયાના ખેતરમાંથી આઠ થી દસ વર્ષની ત્રણ સિંહણ અને ૮ થી ૧૦ માસના બે સિંહબાળ મળી કુલ પ સિંહોના મૃતદેહો જમીનમાંથી દટાયેલા અને સડેલા - દુર્ગંન્ધ
મારતા મળી આવતા વન ખાતામાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.ચાલુ ગિરના ખેડુતે વીજ શોકથી વિજ પ્રવાહવાળા ખેતર ફરતે બાંધવામાં આવેલા વિજ વાયરોમાં અડકી જતા ઈલેકટ્રીક શોક લાગવાને લીધે પાંચેય સિંહોનું મૃત્યુ થતા વનખાતુ પણ ચોંકી ઉઠયુ છે. ત્રણ સિંહણ અને છ બચ્ચા મળી કુલ નવ સિંહોના ગૃપમાંથી માત્ર ચાર બચ્ચાઓ વનખાતાની નજરે પડતા બાકીના સિંહોને શોધવાની હાથ ધરાયેલી કવાયત દરમ્યાન સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

સમગ્ર બાબત જાણમાં આવતા જ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયેલા વનખાતાના કાફલાએ વાડીના શેઢે દાટી દેવાયેલા એક પછી એક એમ પાંચેય સિંહોના મૃતદેહો બહાર કાઢતા તમામના શરીર પર વિજ પ્રવાહથી બળી જવાના નિશાનો સ્પષ્ટ જોવા મળ્યા હોવાનું ઘટનાસ્થળેથી જાણવા મળ્યુ છે. તો જમીનમાં દાટી દેવાયેલ મૃતદેહો બહાર કઢાયા બાદ ૮૮ નખ કબ્જે લઈ લેવાયા હોવાનું વનખાતાના સુત્રોએ જણાવ્યુ છે. જો કે બે નખ ગુમ થઈ જવા પામ્યા છે જે કુદરતી રીતે ગુમ થયા હોવાનું વનવિભાગના સુત્રો જણાવી રહ્યા છે.

ત્રણ સિંહણો તથા એક નર અને એક માદા એમ બે સિંહબાળ મળી કુલ પાંચ સિંહોની ઈલેકટ્રીક શોક આપી હત્યાના પગલે વન સંરક્ષક (વન્ય પ્રાણી વર્તુળ) ભરત પાઠક, જૂનાગઢ દક્ષિણ રેન્જ આઈ.જી.પી.મોહન ઝા, નાયબ વન સંરક્ષક અને ઝુ અધિકારી વી.જે.રાણા સહીતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના ઉચ્ચ અધિકારીઓ સાથેના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી જઈ સમગ્ર મામલાની બારીકાઈથી તપાસ હાથ ધરી છે.

૮ વિઘાની વાડીમાં ફરતે શેઢામાં ગોઠવેલા વિજ વાયરોના વિજ પ્રવાહથી મૃત્યુ પામ્યા બાદ પાંચેય સિંહોના મૃતદેહોને ઘટનાસ્થળે જ દાટી દેનાર વાડીના માલીક દુર્લભ શંભુ વાડોદરીયાની વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ (વન્ય પ્રાણી સંરક્ષણ ધારો) સેકશન ૯ હેઠળ અટક કરી વનખાતાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરમ્યાનમાં એકાદ અઠવાડીયા અગાઉ બનેલી ઘટના બાદ જમીનમાં દાટી દેવાયેલ ત્રણ સિંહણો અને બે બચ્ચાઓના મૃતદેહને આજે બહાર કાઢી ઘટનાસ્થળે જ તબીબોની પેનલ દ્વારા પી.એમ.કરી અગ્નિદાહ આપી દેવામાં આવ્યો છે. પાંચેય મૃતદેહો અત્યંત દુર્ગંન્ધ મારતા હોવાથી ખેતરમાં જ તમામને અગ્નિદાહ આપી દેવામાં આવ્યો છે.

અમારા અમરેલીના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ધારી ગીર પૂર્વના એસ.એફ.જે.એસ. સોલંકીના જણાવ્યાનુસાર થોડા દિવસોથી જંગલ વિસ્તારમાંથી સિંહોનું ટોળુ ગાયબ થઈ જતા છેલ્લા ચાર દિવસથી વન વિભાગનો સ્ટાફ તેની શોધખોળમાં કામે લાગ્યો હતો અને તપાસ દરમ્યાન સિંહના મોતની શંકા દર્શાવતા એક ખેતરમાં તપાસ કરતા જમીનમાં ખાડા ખોદી દાટેલા મૃતદેહો મળ્યા હતા.

પ્રેમપરામાં રહેતા પટેલ ખેડૂત દુર્લભ ટપુભાઈ વાડદોરીયા એ પોતાની નવ વિધા જમીનમાં વાવેલ કપાસના પાકને જંગલી રોજથી રક્ષણ આપવા માટે ફરતે ઈલેકટ્રીક તાર ગોઠવ્યા હતા અને ગુમ થયેલા ૯ સિંહો પૈકીનું પાંચ સિંહોનું એક ઝુંડ આ તારને અડકી જતા તમામના મુત્યુ નિપજયા હતા આ વાતથી ગભરાયેલા ખેડૂત દુર્લભે પોતાના ખેતરમાં મુત્યુ પામેલ ત્રણ સિંહણ અને બે સિંહ બાળને અલગ-અલગ સ્થળે ખાદા ખોદી દાટી દીધા હતા. તે ઘટનાને આઠેક દિવસ વિત્યાનુ જાણવા મળ્યુ છે.

Source:http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=29692&Keywords=Sorath%20gujarati%20news

No comments: