Sunday, October 7, 2007

સિંહોનું વેકેશન પૂર્ણ : ગીર અભયારણ્ય તથા દેવળીયા પાર્ક પ્રવાસીઓ માટે ૧૬મીથી ખુલ્લું થશે

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

જૂનાગઢ,તા.૫
સિંહોના સંવનનકાળ અને ચોમાસાની ઋુતુને ધ્યાને લઈ ગત તા.૧૬ જુનથી પ્રવાસીઓ માટે બંધ કરાયેલ એશિયાઈ સિંહોના વિશ્વભરના એક માત્ર નિવાસસ્થાન ગીર અભ્યારણ્ય અને દેવળીયા પાર્ક આગામી તા.૧૬ ઓકટોબરથી પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવશે. ખુલ્લા જંગલમાં મુકત અને વિહરતા જંગલના રાજા અને શિયાળાની મૌસમમાં હજ્જારો કિ.મી. દુરથી ગીર જંગલના પ્રવાસે આવતા અવનવા પક્ષીઓ આગામી દિવાળીના વેકેશન માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.દુનિયાભરમાં એશિયાઈ સિંહો જયાં વસવાટ કરે છે એવા સોરઠના ગીર અભ્યારણ્યને દર વર્ષની માફક આ વર્ષે પણ ગત તા.૧૬ જુનથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતુ. ચોમાસાની ઋુતુ અને સિંહોના સંવનન કાળના સમયને લીધે વનરાજાને ખલેલ ન પહોંચે અને મુકતમને પ્રકૃતિ વચ્ચે વિહરી શકે તે માટે ગીર અભ્યારણ્ય અને દેવળીયા નેશનલ પાર્કને ચાર માસ માટે બંધ કરી વનરાજોનું વેકેશન પાડી દેવામાં આવે છે. આ વેકેશન આગામી તા.૧૬ ઓકટોબરના રોજ પૂર્ણ કરી ગીર અભ્યારણ્ય અને દેવળીયા નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવનાર હોવાનું સાસણના નાયબ વન સંરક્ષક (વન્ય પ્રાણી વર્તુળ) એસ.મનિશ્વર રાજાએ જણાવ્યુ.

ે૧૪૧ર કી.મી. જેટલા વિસ્તારમાં ફેલાયેલ ગીર અભ્યારણ્યના દેવળીયા નેશનલ પાર્કનું પ્રવાસીઓમાં અનેરૂ આકર્ષણ રહે છે. નયનરમ્ય કુદરતી સૌંદર્ય ધરાવતા આ પાર્કના અંદરના રસ્તાઓના વનરાજ રોડ, ચિંકારા રોડ, ચિતલ રોડ, સાબરરોડ અને વાઇલ્ડ બોર રોડ જેવા નામો આપવામાં આવ્યા છે. અને વાઇલ્ડ લાઈફના ખજાનારૂપ એવા આ પાર્કમાં સિંહ ઉપરાંત સાબર, હરણ, નીલગાય, ચોશિંગા, ચિતલ, સસલા, વાનર જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે.પ્રવાસી પક્ષીઓ વિશે વનસંરક્ષક (વન્ય પ્રાણી વર્તુળ) ભરત પાઠકના જણાવ્યા અનુસાર ઉતર ભારતમાંથી શિયાળાની શરૂઆતમાં નયનરમ્ય રોલર ઈન્ડીયન, કાશ્મીર રોલર ગીરમાં આવે છે.

તો લોકગીતોમાં વણાયેલ અને જેનાથી દરેક પરિચિત જ છે એવા કુંજ પક્ષી પણ સાઈબેરિયા તથા મધ્ય યુરોપમાંથી આવે છે અને દિવાળીના ઘોડા તરીકે ઓળખાતા ચારેક જાતીના પક્ષીઓ ઉપરાંત સતત પુંછડી હલાવતો થરથરો અને જુદા જુદા પ્રકારની બતકો પણ ગીર અભ્યારણ્યમાં આવી પહોંચશે. તો પટાઈ અને ગરૂડ જેવા માંસાહારી પક્ષીઓ પણ મહેમાન બને છે.ત્યારે સિંહોનું વેકેશન સમાપ્ત થતા જ નવા લીલાછમ્મ રૂપરંગ સજીને તૈયાર થયેલ પ્રકૃતિમાં વિહરતા વનરાજો તથા શિયાળાના મહેમાન પક્ષીઓ પ્રવાસીઓ માટે દિવાળીના વેકેશનને કંઈક ઔર જ બનાવી દેશે.અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪૧ર કી.મી.માં પથરાયેલ ગીર અભ્યારણ્યમાં ર હજાર પ્રકારના જીવ જંતુઓ તેમજ ૩૧૦ પ્રકારના પક્ષીઓ, ૩૮ જાતના સરિસૃપ અને ૩૭ પ્રકારના સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે તથા પાંચસોથી વધુ પ્રકારની વનસ્પતિઓ ઉગે છે. જેમાં ૧૯ અતિ દુર્લભ વનસ્પતિઓનો સમાવેશ થાય છે અને કમલેશ્વર, રાવલ, મચ્છુન્દ્રી તથા શીંગોડા નામના ચાર ડેમો પ્રકૃતિને વધુ નિખારે છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=20&NewsID=26515&Keywords=Sorath%20gujarati%20news

No comments: