ખાંભા: ખાંભા પંથકમાં છેલ્લા એક માસથી ઘેંટા-બકરામાં અજીબ રોગ
જોવા મળી રહ્યો છે. તંત્રની બેકાળજીના કારણે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં
300થી વધુ ઘેંટા-બકરાના મોત થઇ ચુક્યા છે. આમ છતાં પશુ પાલન વિભાગના
અધિકારીઓ ડોકાતા નથી. માત્ર ચાર દિવસમાં જ ઘેંટા-બકરા તરફડીને મોતને ભેટે
છે. માલધારીઓ મૃત પશુઓનો ખુલ્લામાં નિકાલ કરતા હોય અન્ય પશુઓમાં પણ આવો
રોગચાળો ફેલાવાની ભીતી છે ત્યારે તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઇએ.
ઘેંટા-બકરા ટપોટપ મરી રહ્યા હોવા છતાં તંત્ર ધ્યાન આપતુ નથી
ખાંભામાં છેલ્લા એક માસથી આ પ્રકારનો રોગચાળો માલધારીઓના ઘેંટા તથા બકરામાં પ્રસર્યો છે. છેલ્લા 22 દિવસથી તો દરરોજ મોટી સંખ્યામાં ઘેંટા-બકરા મોતને ભેંટી રહ્યા છે. અત્યાર સુધીમાં અહિં 300થી વધુ ઘેંટા-બકરા મોતને ભેટી ગયા છે. સૌ પ્રથમ તો આ બિમારીની ઝપેટમાં ચડેલા ઘેંટા-બકરા ખાવાનું બંધ કરી દે છે અને તેની પગની ખરીમાં રસી થવા માંડે છે. પશુ એક જ જગ્યાએ બેસી રહે છે અને બાદમાં મોતને ભેટે છે. માલધારીઓ સારવાર કરાવે છતાં આ રોગમાં સપડાયેલા ઘેંટા-બકરા સાજા થઇ શકતા નથી.
પશુ ડોકટર દ્વારા કેમ્પ કરાય એવી ઉઠતી માંગ
અહિંના માલધારીઓ કહે છે કે ઘેંટા-બકરાની સારવાર પાછળ હજારો રૂપીયાનો ખર્ચ કરીએ છતાં કોઇ પરિણામ મળતુ નથી. તગડો પગાર લેનારા સરકારી અધિકારીઓ આ દિશામાં જરા પણ ધ્યાન આપતા નથી. પશુપાલન નિયામક ટેલીફોન પર જ માલધારીઓને હું એક મહિના પહેલા ખાંભા આવ્યો હતો તેવો ઉડાઉ જવાબ આપી રહ્યા છે. યોગ્ય પશુ નિષ્ણાંત તબીબોનો અહિં કેમ્પ કરી પશુઓની સારવાર કરવી જરૂરી બની છે.
કયા માલધારીના કેટલા પશુનું મોત
નનુભાઇ માટીયા 15, ભીમાભાઇ માટીયા 25, ભગાભાઇ મેવાડા 25, બાલાભાઇ શીરોળીયા 35, કાબાભાઇ મેવાડા 14, દેવાભાઇ માટીયા 10, રત્નાભાઇ માટીયા 9, ભગાભાઇ માટીયા 7, લાખાભાઇ કળસડીયા 14, દેવાભાઇ રાતડીયા 22
ઠુંગા નામનો રોગ હોવાનું તારણ
No comments:
Post a Comment