Monday, October 31, 2016

ગિરનાર રોપ-વેની કામગીરીને લઇ સમીક્ષા બેઠક મળી

DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:50 AM IST
બે માસમાં રોપ-વેની કામગિરી શરૂ થશે

9 નવેમ્બરે મુખ્યમંત્રી રોપ-વે સાઇટની મુલાકાત લેશે

ગિરનાર રોપ-વેને મંજૂરી મળી ગઇ છે. બે માસની અંદર ગિરનાર રોપ-વેને લઇ કામગીરી શરૂ થશે. તેમજ ગિરનાર રોપ-વેની કામગીરીને લઇ સોમવારે કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. ઉપરાંત 9 નવેમ્બરે મુખ્યમંત્રી જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે રોપ-વે સાઇટની મુલાકાત લેશે અને ગિરનાર રોપ-વે અંગે માહિતી મેળવશે. ગિરનાર પર્વત ઉપર આકાર પામનાર રોપ-વેને ભારતીય પર્યાવરણ કમિટીની લીલીઝંડી મળી ગઇ છે. તેમજ કાયદાઓની વહિવટી પ્રક્રિયાઓ સંપન્ન થઇ છે. પરિણામે હવે બે માસની અંદર ગિરનાર રોપ-વેની કામગીરી શરૂ થશે. ત્યારે સોમવારે જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં ગિરનાર રોપ-વેની કામગિરીની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં રોપ-વે કંપનીનાં અધિકૃત પ્રતિનિધીઓ, મેયર જીતુ હિરપરા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ડે. મેયર ગિરીશ કોટેચા, નિલેષ ધુલેશીયા સહિતનાં હાજર રહ્યા હતા. ગિરનાર રોપ-વેની કામગિરીની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી તા. 9 નવેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત લેશે. રોપ-વે બનાવનાર કંપની દ્વારા પ્રોજેકટ અને નકશા વગેરે બતાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રીનાં હસ્તે જૂનાગઢમાં વિકાસનાં કામોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી જૂનાગઢ આવતા હોઇ કોર્પોરેશન અને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

No comments: