Thursday, May 31, 2018

600 યાત્રાળુ, 50 દિવસ સુધી રોજ ગિરનારનાં 7600 પગથિયાં ચઢે છે

DivyaBhaskar News Network | Last Modified - May 26, 2018, 03:45 AM IST
જામનગરનો માત્ર 13 વર્ષનો આલોક ભણશાળી હાલ જૂનાગઢનાં રૂપાયતન રોડ પર આવેલી ગિરનાર દર્શન ધર્મશાળામાં રોકાયો છે. તે સમસ્ત મહારાષ્ટ્ર-કર્ણાટક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ અને ગિરનાર ભક્તિ પરિવાર દ્વારા આયોજીત નવ્વાણું તપમાં જોડાયો છે. ખુબીની વાત એ છે કે, આલોકે 37 જ દિવસમાં ગિરનારની 138 યાત્રા પૂરી કરી છે. તો આજ સંઘની 7 વર્ષીય નિષ્ઠા એસ. જૈને 37 દિવસમાં 45 યાત્રા કરી છે. 10 વર્ષનો વિમલ શાહ 37 દિવસમાં 86 યાત્રા પૂર્ણ કરી ચૂક્યો છે. આ સંઘમાં કુલ 140 બાળકો આ રીતે યાત્રા કરે છે.

જીહા, 600 લોકો ગિરનારની 50 દિવસમાં 99 યાત્રા કરશે. તમામની યાત્રા ચાલુ છે. જેમાં 7 વર્ષનાં બાળકથી માંડીને 84 વર્ષનાં વૃદ્ધો પણ સામેલ છે. સામાન્ય રીતે ગિરનાર ચઢીને ઉતર્યા બાદ થોડા દિવસો સુધી તો પગ દુ:ખતા હોય ત્યારે એક દિવસમાં 3 થી લઇ 9 યાત્રા કેવી રીતે થતી હશે એ જાણવું રસપ્રદ છે.

મુંબઇથી આવેલા સંઘનાં કેતનભાઇ દેઢીયા કહે છે, આલોક વ્હેલી સવારે 4 થી 5 અહીં ધર્મશાળામાંજ પ્રતિક્રમણ કરે. પછી જટાશંકરનાં રસ્તેથી 4 હજાર પગથિયાં ચઢી સહસાવનનાં દેરાસર જાય. ત્યાં ચૈત્યવંદના કરે. ત્યાંથી 1800 પગથિયાં ચઢીને પ્રથમ ટૂંક એટલે કે, નેમિનાથ ભગવાનાં દેરાસરે જાય. ત્યાં પણ ચૈતન્ય વંદના, પ્રક્ષાલ અને પૂજા કરે. ત્યાંથી ફરી સહસાવન આવે. ત્યાં ફરી પૂજા કરે અને ફરી પ્રથમ ટૂંકે નેમિનાથ ભગવાનનાં દેરાસરે જાય. ત્યાંથી પાછો સહસાવન આવે અને પૂજા કરે અને પછી નીચે આવે. આ રીતે તેની 3 યાત્રા પૂરી થઇ કહેવાય. ટૂંકમાં જેટલી વખત સહસાવન જાય એટલી વખત તેની યાત્રા ગણાતી જાય. એ માટે જરૂરી નથી કે નીચે તળેટીમાંજ પરત આવવું પડે. હા અહીંથી નિકળતી વખતે અને સહસાવન તેમજ પ્રથમ ટૂંકે નેમિનાથનાં દેરાસરમાં તેણે પોતાનાં કાર્ડ મારફત એન્ટ્રી કરાવવી પડે. અને પરત આવીને પણ તેની નોંધ કરાવવી પડે.

આ રીતે તે રોજ 3 નહીં ઓછામાં ઓછી 5 થી 6 યાત્રા કરે છે. અત્યાર સુધીમાં તેની 138 યાત્રા પૂર્ણ થઇ ચૂકી છે. આ તપ જયઘોષસુરિશ્વરજી મ.સા.નાં આશીર્વાદથી સહસાવન તીર્થોદ્ધારક હિમાંશુસુરિશ્વરજી મ.સા.નાં આશીર્વાદથી ચાલી થઇ રહી છે. યાત્રામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશનાં શ્રાવકો જોડાયા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034502-1803756-NOR.html

No comments: