Saturday, June 30, 2018

એક સમયે માત્ર ગીર જંગલની શાન ગણાતા સાવજો હાલમા

DivyaBhaskar News Network | Last Modified - Jun 20, 2018, 02:05 AM IST
એક સમયે માત્ર ગીર જંગલની શાન ગણાતા સાવજો હાલમા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારની પણ શાન છે. કારણ કે વસતી વધતા...
એક સમયે માત્ર ગીર જંગલની શાન ગણાતા સાવજો હાલમા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારની પણ શાન છે. કારણ કે વસતી વધતા ખુબ મોટી સંખ્યામા સાવજો અહી વસી રહ્યાં છે ત્યારે હવે રાજય સરકારે અમરેલીમા વનતંત્રનુ નવુ ડિવીઝન ઉભુ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમા અમરેલી ઉપરાંત ભાવનગર જિલ્લાને પણ આવરી લેવાશે.

અમરેલી જિલ્લામા વસતા સાવજોની દેખરેખ, સુરક્ષા અને પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અમરેલી ખાતે વનતંત્રનુ એક નવુ ડિવીઝન ઉભુ કરવા રાજય સરકારની ગઇકાલે મળેલી રીવ્યુ બેઠકમા નિર્ણય લેવામા આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ અને વનમંત્રીની ઉપસ્થિતિમા મુખ્યમંત્રીની અધ્યક્ષતામા આ બેઠક યોજાઇ હતી. ગીર અભ્યારણ્ય બહાર વસતા સાવજો પર દેખરેખ માટે હવે નવા ડિવીઝનની આવશ્યકતા જણાય છે.

અમરેલી ડિવીઝનમા અમરેલી જિલ્લાના અમરેલી, લીલીયા, કુંકાવાવ, જાફરાબાદ, રાજુલા તથા ભાવનગર જિલ્લાના મહુવા, જેસર, પાલિતાણા અને તળાજા તાલુકા વિસ્તારને આવરી લેવામા આવશે. અભ્યારણ્ય સિવાયના આ વિસ્તારમા નવા થાણા, નવા નાકા ઉભા કરવામા આવશે. અને વાયરલેસ નેટવર્ક પણ ઉભુ કરવામા આવશે. આ વિસ્તારમા વન્યપ્રાણી મિત્રો અને ટ્રેકર્સની નિમણુંક કરવામા આવશે. વન્ય અધિકારીને વધુ સગવડતાઓ આપી સાવજોની રક્ષા સુદ્રઢ કરાશે.

રેવન્યુ વિસ્તારમા સાવજોની સંખ્યા વધી રહી છે અને હવે આવનારો વધારો પણ રેવન્યુ વિસ્તારમા જ હશે ત્યારે સિંહ સંરક્ષણ પ્રત્યે લોકોની જાગૃતિ કેળવવા પણ અનેકવિધ પગલાઓ લેવામા આવશે. આ માટે નેચર એજયુકેશન કેમ્પ જેવા પગલા લેવાશે. અને વનમંત્રીના અધ્યક્ષસ્થાને સાવજોની રક્ષા માટે સ્ટીયરીંગ કમિટીની રચના કરવામા આવશે. જિલ્લા સ્તરે આ માટે કલેકટરની અધ્યક્ષતામા મોનીટરીંગ કમિટી બનાવાશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2001484-NOR.html

No comments: