Bhaskar News, Jungadh
| Jul 24, 2013, 02:08AM IST
ભેંસાણ તાલુકામાં ગીરના જંગલ નજીક આવેલી સરકડિયા હનુમાન મંદિરની જગ્યા પચાવી પાડવા કાવાદાવા શરૂ થયા હોવાના ગંભીર આક્ષેપો ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાવિકોએ કર્યા છે. રામદાસબાપુ ગુરુ મહાવીરદાસબાપુનું નિધન થયા બાદ આ જગ્યા પર હક જમાવવા માટે હરિદાસ નામના સાધુ મેદાને પડયા હોવાની જૂનાગઢ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનો અને સેવકોએ ડીએસપીને લેખિતમાં આપેલી અરજીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ખોટી ફરિયાદોના આધારે ભાવિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.
સરકડિયા આશ્રમના મહંત રામદાસબાપુનું થોડા દિવસો પહેલાં અવસાન થયું હતું. બાપુના અવસાન બાદ બાપુની અંતિમ ઈચ્છા અનુસાર તુલસીદાસબાપુને આશ્રમનો વહીવટ સેવકોની હાજરીમાં સોંપી દેવામાં આવ્યો હતો. જો કે હરિદાસ નામના એક સાધુ સરકડિયા આશ્રમ ખાતે ગયા હતા. આથી ભાવિકોએ તેમને રોકતા ઝઘડો થયો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટના બાદ હરિદાસબાપુના ગુરુ રાઘવદાસબાપુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ આરોપીઓને પકડવાની કાર્યવાહી કરે તે પહેલાં ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ ઉસદડ, ભૂપતભાઈ ડાંગર, મનસુખભાઈ રૂપાલા, મગનભાઈ સાવલિયા, મગનભાઈ કાનજીભાઈ અને ઘનશ્યામભાઈ પટોળિયા સહિતના સેવકો જિલ્લા પોલીસવડા દીપાંકર ત્રિવેદી પાસે દોડી ગયા હતા. અને, રજૂઆત કરી હતી કે, સરકડિયા આશ્રમના મહંત રામદાસબાપુ જયારે હયાત હતા ત્યારે તેઓની ઈચ્છા હતી કે, તેમના શિષ્ય તુલસીદાસબાપુ જ પોતાની ગેરહાજરીમાં અથવા તો પોતાના અવસાન બાદ આશ્રમનું સંચાલન કરે. પરંતુ, હરિદાસબાપુને આ આશ્રમ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં આશ્રમની જગ્યા પચાવી પાડવા માટે ખોટી ફરિયાદો કરી રહ્યા છે. રજૂઆતમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ તટસ્થ તપાસ કરશે તો સાચી વિગત જાણવા મળશે.
૩પ વર્ષ પહેલાં રાઘવદાસબાપુએ વહીવટ સોંપ્યો ’તો
સરકડિયા આશ્રમના સેવકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજથી ૩પ વર્ષ પહેલાં રાઘવદાસબાપુએ સરકડિયા આશ્રમનો વહીવટ રામદાસબાપુને સોંપી દીધો હતો અને આ અંગેનું લખાણ પણ કરી આપ્યું હતું. રાઘવદાસબાપુ છેલ્લા ૧૦ વર્ષથી ગોલાધારની જગ્યામાં રહે છે. તેઓને પેરેલિસીસ હોવાથી હાલીચાલી પણ શકતા નથી. જો કે તેઓના શિષ્ય હરિદાસબાપુ સરકડિયા આશ્રમની જગ્યા પચાવી પાડવા ખોટી રીતે પેરવી કરી રહ્યા છે. હરિદાસબાપુ સામે ભૂતકાળમાં જમીન પચાવી પાડવાની પોલીસ ફરિયાદ થઈ હોવાનું પણ સેવકોએ જણાવ્યું હતું.
No comments:
Post a Comment