Friday, July 12, 2013

સક્કરબાગ ઝૂમાં બે વર્ષથી માંદી અઢી વર્ષની સિંહણનું મોત થયું.


Bhaskar News, Junagadh | Jul 09, 2013, 00:51AM IST
- જન્મના છ માસથી જ અંગો ધીમે-ધીમે કામ કરતાં બંધ થવા લાગ્યા હતા


જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાં ગઇકાલે એક સિંહણનું બે વર્ષ લાંબી બિમારી બાદ મૃત્યુ થયું હતું. આ સિંહણને જન્મનાં છ માસમાંજ શરીરનાં સ્નાયુઓ પર નિયંત્રણ ધરાવતી સીસ્ટમ ફેઇલ થઇ ગઇ હતી. આથી તેનાં તમામ અંગો ધીમે ધીમે કામ કરતા બંધ થવા લાગ્યા હતા. અંતે તેનું મોત નીપજ્યું હતું.

આ અંગેની વીગતો આપતાં સક્કર બાગ ઝૂનાં ડાયરેકટર ડીએફઓ વી. જે. રાણએ જણાવ્યું હતું કે, એક અઢી વર્ષની સિંહણ છેલ્લા બે વર્ષથી ‘નવૉઇન ડીસ્ઓર્ડર’ નામની બિમારીથી પીડાતી હતી. આથી તેની સારવાર પણ ચાલુ જ હતી. ગઇકાલે તેનું ‘મલ્ટી ઓર્ગન ફેઇલ્યોર’ ને કારણે મૃત્યુ થયું હતું. આ બિમારીમાં તેનાં શરીરનાં અંગો ધીમે ધીમે હલન ચલન કરતા બંધ થઇ ગયા હતા. તેનું ખાવાનું પણ ખુબજ ઓછું થઇ ગયું હતું.

છેલ્લા બે વર્ષથી આ સિંહણની સઘન સારવાર ચાલી રહી હતી. આ સિંહણને સાજી કરવા ઝૂનાં સ્ટાફ અને વેટરનરી તબીબે સઘન દેખરેખ રાખી હતી. પરંતુ તે સાજી થઇ શકી નહોતી. અંતે બે વર્ષ લાંબી બિમારી બાદ તેણે દમ તોડી દીધો હતો. તેનાં ઝૂ ખાતે જ અંતિમ સંસ્કાર કરાયા હતા. અત્રે નોંધનીય છે કે, સક્કર બાગ ઝૂ ખાતે વન્ય પ્રાણીઓની સારવાર માટેની ખાસ હોસ્પિટલ પણ છે. જેમાં વન્યપ્રાણીઓનાં ઓપરેશનો સુદ્ધાં પાર પાડવામાં આવતા હોય છે.

- સક્કરબાગમાંજ જન્મી ‘તી

મૃત સિંહણનો જન્મ સક્કર બાગ ઝૂ ખાતે જ અઢી વર્ષ પહેલાં થયો હતો. એમ પણ ડીએફઓ વી. જે. રાણાએ ઉમેર્યું હતું.

- બિમારીનાં અનેક કારણો હોઇ શકે

ઝૂનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, નવૉઇન ડીસ્ઓર્ડર સ્નાયુઓનાં હલનચલનને અસર પાડે છે. અને તે થવાનાં અનેક કારણો હોઇ શકે.

No comments: