Monday, July 29, 2013

એ સિંહની હત્યા જ થઈ હતી: ભારે ખળભળાટ.

Bhaskar News, Junagadh   |  Jul 24, 2013, 04:10AM IST
એ સિંહની હત્યા જ થઈ હતી: ભારે ખળભળાટ
- હત્યા કરી કોઈ મૃતદેહ ફેંકી ગયું
- ઈરાદાપૂર્વક રખાયેલ યુરિયાવાળા પાણીએ ભોગ લીધો
- હત્યા કોણે કરી? તપાસ માટે પાંચ ટીમો બનાવાઇ
- આ પદ્ધતિથી વન્યજીવને મારવાના જૂના આરોપીઓની પણ તપાસ


વિસાવદર રેન્જનાં વિસ્તારમાંથી ગઇકાલે સવારે સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ વનતંત્ર દોડતું થયું છે. ગઇકાલે સ્થાનિક અધિકારીએ અકસ્માતમાં સિંહનું મોત થયાનું રટણ કર્યા બાદ આજે ઉચ્ચ અધિકારીએ સિંહની હત્યા કરીને કોઇ તેનો મૃતદેહ ફેંકી ગયાનું સ્વીકાર્યું છે. હાલ આ હત્યા કોણે કરી તેની તપાસ થઇ રહી છે. વન્યપ્રાણીઓને આ રીતે યુરિયાવાળું પાણી પીવડાવીને મારી નાંખવાનાં જૂના કેસોનાં આરોપીઓની પણ તપાસ થઇ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

વિસાવદરનાં ધારી રોડ પર ગઇકાલે રોડની સાઇડેથી એક પાંચ વર્ષની વયનાં સિંહનો મૃતદેહ મળી આવ્યા બાદ વન્ય પ્રાણી વર્તુળનાં સીએફ આર. એલ. મીના સહિ‌તનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પીએમનાં પ્રાથમિક રીપોર્ટમાં સિંહનું મોત યુરિયાવાળું પાણી પીવાને લીધે થયાનું ખુલ્યા બાદ વિસાવદરનાં આર.એફ.ઓ. એન. એમ. જાડેજાની આગેવાની હેઠળ પાંચ ટુકડીઓ બનાવાઇ છે. અને આ ટીમો આસપાસનાં ખેતરો-વાડીઓની ટાંકીઓ તેમજ અન્ય પાણી સ્ત્રોતોમાંથી નમુના લઇ રહી છે. યુરિયાવાળું પાણી કોણે રાખ્યું છે. તેનાં તરફ તપાસનું કેન્દ્રબિંદુ મંડાયું છે.
એ સિંહની હત્યા જ થઈ હતી: ભારે ખળભળાટ
આ અંગે સીએફ આર. એલ. મીનાએ જણાવ્યું હતું કે, ખેડૂતો સામાન્ય રીતે નિલગાય જેવાં પ્રાણીઓને મારવા માટે યુરિયાવાળું પાણી ભરીને રાખતા હોય છે. આમ કરવું એ ગુનો છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં આ રીતે મૃત્યુ પામેલા વન્ય પ્રાણીઓનાં કિસ્સામાં કોણ સામેલ હતું તેની પણ તપાસ ચાલુ છે. આવા શખ્સો પર પણ નજર રખાઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની ટેવવાળા અમુક કુખ્યાત શખ્સો ઓળખાયા છે. જોકે, હજુ સુધી કોઇની અટક કરાઇ નથી. પરંતુ કોઇપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે.

સિંહને વાહનમાં ફેંકી જવાયો
સિંહને યુરિયાવાળું પાણી પીવડાવીને મારી નાંખ્યા બાદ તેને ગાડું કે છકડો જેવા વાહનમાં મૂકીને ઘટનાસ્થળે ફેંકી જવાયાનું પણ સીએફ મીનાએ જણાવ્યું હતું.
સિંહના હત્યારાની વનતંત્રને ગેરમાર્ગે દોરવાની કોશિશ

સીએફ મીનાએ વધુમાં ઉમેર્યું હતું કે, સિંહનાં હત્યારાને એ વાતની કદાચ ખબર હતી કે, ચાર સિંહોનું જૂથ આ વિસ્તારમાં આંટા મારે છે. આથી એ વિસ્તારમાં તેનાં ફૂટમાર્ક પણ સ્વાભાવિકપણે હોય જ. આ સ્થિતીમાં સિંહનાં મૃતદેહને કોઇ ફેંકી ગયાની શંકા ન ઉપજે એ માટે વનવિભાગને ગેરમાર્ગે દોરવાનાં ઇરાદાથી આ ચોક્કસ સ્થળે જ હત્યારા મૃતદેહ ફેંકી ગયા હતા. અને ખરેખર મૃતદેહની આસપાસ સિંહનાં ફૂટમાર્ક પણ જોવા મળ્યા છે. જોકે, એ ફૂટમાર્ક મૃત સિંહનાં જ છે કે કેમ? તેની તપાસ હજુ ચાલુ છે.

સિંહ હત્યારાની નજરમાં જ હતો: મૃતદેહ રાત્રે જ ફેંકી ગયા
સિંહનું મોત હજુ તા. ૨૧ જુલાઇએ જ રાત્રે યુરિયાવાળું પાણી પીને થયા બાદ એ જ રાત્રે તેનો મૃતદેહ વાહનમાં મૂકીને ઘટનાસ્થળે ફેંકી ગયા. અને તા. ૨૨ જુલાઇની સવારે ૬ વાગ્યે વનવિભાગને જાણ થઇ. આથી હત્યારાની નજર સિંહ પર જ હોવાનું અને તેનું મૃત્યુ થયા બાદ વરસાતા વરસાદે તુર્તજ મૃતદેહનો નિકાલ કરી નાંખવામાં આવ્યો છે.

No comments: