Bhaskar News, Amreli, Lillya
| Jul 05, 2013, 00:24AM IST
અમરેલી તાલુકાના મોટા આકડીયા ગામની સીમમાં એક પટેલ ખેડૂતની વાડીમાં આજે સવારે ઓરડીમાં એક દિપડો ઘુસી જતા ખેડૂતે ઓરડીને બંધ કરી દઇ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના સ્ટાફ અને રેસ્ક્યુ ટીમે આ વાડીમાં દોડી જઇ દિપડાને પાંજરે પુર્યો હતો. બાદમાં આ દિપડાને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.
અમરેલી જીલ્લામાં કુદકેને ભુસકે વધી રહેલી દિપડાની સંખ્યાથી હવે આમ આદમીને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગીરકાંઠાના વિસ્તારો સહિત જીલ્લાના મોટાભાગના રેવન્યુ વિસ્તારો પર દિપડાએ અડ્ડો જમાવ્યો છે. અવાર નવાર માણસ પર હુમલાની ઘટનાઓ પણ બની રહી છે. જીલ્લામાં સિંહ કરતા દિપડાના હુમલામાં વધુ લોકો ઘાયલ થઇ રહ્યા છે. આજે એક દિપડો છેક અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામે આવી ચડયો હતો.
ગામની સીમમાં બાબુભાઇ વિસાવડીયાની વાડીમાં આજે સવારે એક દિપડો ઓરડીમાં ઘુસી ગયો હતો. ઓરડીમાં દિપડો હોવાની ખેડૂત પરિવારને જાણ થતા તેમણે સમય સુચકતા વાપરી ઓરડીનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને સ્થાનિક બીટગાર્ડ વાઘવીભાઇ ડવને જાણ કરી હતી. તેમના દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરાતા ડીએફઓ મકવાણાની સુચનાને પગલે આરએફઓ અગ્રવાલ, સ્ટાફના ભદ્રેશસિંહ પરમાર, ભનુસિંહ તથા ધારીની રેસ્ક્યુ ટીમ અહિં પહોંચી ગઇ હતી.
બપોરે એકાદ વાગ્યે આ દિપડાને પાંજરામાં સપડાવવા કાર્યવાહી શરૂ કરાઇ હતી અને એકાદ કલાકની જહેમત બાદ આ દિપડો સફળતાથી પાંજરે પુરાયો હતો. આરએફઓ અગ્રવાલે જણાવ્યુ હતું કે હાલમાં આ દિપડાને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ છે.
No comments:
Post a Comment