Thursday, November 28, 2013

સાવજોની રક્ષા પાછળ કરોડો ખર્ચે છતા કેટલા સલામત છે આપણા સાવજો ?


સાવજોની રક્ષા પાછળ કરોડો ખર્ચે છતા કેટલા સલામત છે આપણા સાવજો ?
Bhaskar News, Amreli   |  Nov 22, 2013, 23:55PM IST
- બેદરકારી : ખૂલ્લા અને ફાંસલા બન્યા જોખમી : મારણમાં ઝેર, નખ માટે શિકાર પણ સાવજોને બચાવવામાં વનતંત્ર લાચાર
-
સરકાર સાવજોની રક્ષા પાછળ કરોડો ખર્ચે છે આમ છતાં તંત્રની નિષ્ફળતાથી સાવજોના મોત થાય છે

સમગ્ર દેશમાં સૌરાષ્ટ્ર ગૌરવ લઇ શકે તેવી વાત એ છે કે તેની પાસે સાવજો છે. એશીયાના બીજા કોઇ પ્રદેશમાં નથી પરંતુ અહિં છે. અહિંના લોકોપણ સાવજોને પ્રેમ કરે છે. સરકાર સાવજોની રક્ષા માટે કરોડોનો ખર્ચ કરે છે. આમ છતાં તંત્રની નિષ્ફળતાના પગલે સાવજોના કમોત થતા રહે છે. ખુલ્લા કુવા અને ફાંસલાના કારણે અનેક સાવજોના કમોત થયા છે. આ ઉપરાંત તાર ફેન્સીંગમાં વિજ પ્રવાહ, મારણમાં ઝેર, નખ માટે શિકાર બિમાર સાવજોની સમયસર સારવારનો અભાવ વિગેરે કારણેથી પણ કમોતની ઘટનાઓ બનતી જ રહે છે. જો સરકાર સમયસર નહી જાગે તો આ પ્રકારની ઘટનાઓ અટકાવી નહી શકાય.

થોડા સમય પહેલા વિસાવદર પંથકમાં સાવજના કમોતની ઘટનાએ વિવાદ જગાવ્યો હતો. હવે સાવરકુંડલાના ફીફાદમાં સિંહને ફાંસલામાં ફસાવી મારી નખાતા ફરી તંત્રની ઘોર નિષ્ફળતા ખુલીને સામે આવી છે. ત્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે ગીરના સાવજો કેટલા સલામત છે ? ભુતકાળમાં પણ સિંહના નખ માટે શિકારની અસંખ્ય ઘટનાઓ બની ચુકી છે. શિકારી ગેંગે નખ માટે કેટલા સાવજનો શિકાર કર્યો તેનો હિ‌સાબ કિતાબ વનતંત્ર પાસે પણ નથી.

થોડા વર્ષ પહેલા ધારીના પાદરમાં તાર ફેન્સીંગમાં ખેડૂતે મુકેલા વિજશોકના કારણે એક સાથે પાંચ સાવજોના મોત થયા હતાં અને બાદમાં આ ખેડૂતે આ ઘટના છુપાવવા ખાડો ખોદી પાંચેય સાવજોની લાશ દાટી દીધી હતી. તાર ફેન્સીંગમાં વિજશોકથી સાવજોના કમોતની આ સૌથી મોટી ઘટના હતી. ગીર જંગલ તથા આસપાસમાં મારણમાં ઝેર ભેળવીને પણ સાવજને મારી નખાયાની ઘટનાઓ બની ચુકી છે. તો બીજી તરફ ગીર આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખેતીવાડીના ખુલ્લા કુવા પણ સાવજોના કમોત માટે નિમિત બની રહ્યા છે. શેત્રુજી નદીના પુરે પણ એક દાયકા પહેલા ત્રણ સાવજોનો ભોગ લીધો હતો.

વાત આટલેથી અટકતી નથી. સાવજને નાની મોટી ઇજા કે બિમારીની સમયસર સારવાર ન થાય તો તે જીવલેણ નિવડે છે. જંગલખાતાના મસમોટા સ્ટાફને સાવજોની ભાળ મેળવવા ફેરણાની જવાબદારી સોંપાઇ છે. પરંતુ નિયમીત ફેરણુ થતુ ન હોય સાવજોની બિમારી કે ઇજા અંગે સમયસર જાણકારી મળતી નથી. જેના કારણે ભુતકાળમાં અનેક સાવજો મોતને ભેટી ચુક્યા છે. એક તરફ ગુજરાતના સાવજોને મધ્યપ્રદેશમાં ખસેડવાની તજવીજ ચાલી રહી છે. તેને અટકાવવા ધમપછાડા થઇ રહ્યા છે. વનતંત્રની આ ઘોર બેદરકારી અદાલતમાં પણ નબળી કડી સાબીત થઇ રહી છે. સૌરાષ્ટ્રની આ અમુલ્ય ધરોહરને બચાવવા માટે નક્કર પગલા જરૂરી છે.

પ્રકૃતિ પ્રેમીઓને સિંહના મોતની જાણ થાય થાય પણ વનતંત્રને કેમ ન થાય ?-બાટાવાળા
લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ ફીફાદની ઘટના અંગે જણાવ્યુ હતું કે સિંહના મોતની ઘટના બને ત્યારે સિંહ પ્રેમીઓને સૌથી પહેલા જાણ થાય છે અને બાદમાં વનતંત્રને જાણ થાય છે. એ જ બતાવે છે કે કર્મચારીઓ કેટલા કામચોર છે. આવી ઘટનાઓમાં વનતંત્ર યોગ્ય તપાસ કરતુ નથી. ઉલ્ટુ રાજકીય દબાણના કારણે આરોપીઓને છાવરે છે અને બાદમાં સબસલામતની આલબેલ પોંકારે છે. વિસાવદરમાં તમામ સિંહને મારી નાખવાની ધમકી અપાય તે જ તંત્રની નિષ્ફળતા સુચવે છે. આજની ઘટના અંગે પણ તેમણે વન અધિકારીઓને જાણ કરી હતી. પરંતુ બાદમાં લાયન નેચર ફાઉન્ડેશનના સભ્યોને ઘટનાસ્થળે જતા વનતંત્રએ અટકાવ્યા હતાં. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક સમયમાં જ સાવજોના કમોતની દસ ઘટનાઓ બની છે.

ભાવનગર અને અમરેલીની બોર્ડર પર બની ઘટના
ફીફાદમાં ગણેશભાઇ રંગાણીની વાડી શેત્રુજી નદીના કાંઠે આવેલી છે અને નદીના સામાકાંઠાથી ભાવનગર જીલ્લાની હદ શરૂ થાય છે ત્યારે ફાંસલો મુકવાની આ ઘટના ભાવનગરની હદમાં બની હોય તેવી પણ શક્યતા છે. જેને પગલે અહિં ભાવનગરના ડીએફઓ પણ દોડી આવ્યા હતાં અને બન્ને જીલ્લાના આસપાસના વાડી-ખેતરોમાં કોમ્બીંગ શરૂ કરવામાં આવ્યુ હતું.

શેત્રુજીના કાંઠે બે માસમાં ત્રણ સાવજના કમોત

હજુ થોડા સમય પહેલા જ લીલીયાના ક્રાંકચમાં શેત્રુજીના કાંઠે એક સિંહબાળનું કમોત થયુ હતું. ત્યારબાદ આ જ વિસ્તારમાં કુવામાં પડી જતા સિંહનું મોત થયુ હતું. શેત્રુજીના કાંઠે વસતા સાવજ પરિવારમાંથી કમોતની
આજે ફીફાદ ખાતે ત્રીજી ઘટના બની હતી.

સ્વાસ રૂંધાઇ જવાથી સિંહણનું મોત
ફીફાદમાં સિંહણનું મોત કુવામાં ડુબવાથી નહી પરંતુ ફાસલાના કારણે સ્વાસ રૂંધાઇ જવાના કારણે થયુ છે. આ સિંહણનું વડાળ ખાતે વેટરનરી ડોક્ટર વાઢેર અને ડો. વામજા દ્વારા પીએમ કરવામાં આવ્યુ હતું. ફાસલામાં ગળુ ફસાયા બાદ સિંહણે તેમાંથી છુટવા જેમ જેમ પ્રયાસ કર્યો તેમ તેમ ફાંસલો વધુ મજબુત બનતો ગયો હતો.

ફીફાદમાં સિંહણનું મોત ત્રણ દિવસ પહેલા
ફીફાદની ઘટના અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે આ સિંહણનું મોત વધુમાં વધુ ત્રણ દિવસ પહેલા થયુ હશે. તેની લાશ પર અન્ય કોઇ ઇજાના નિશાન મળ્યા ન હતાં. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે સિંહણના મોત બાદ મૃતદેહ અહિં નાખી જવા માટે વાહનનો ઉપયોગ પણ થયો હશે.

No comments: