Thursday, November 28, 2013

લાયન શોની ઘેલછા, સિંહની ડણકથી યુવકો ઊભી પૂંછડીયે ભાગ્યા.

લાયન શોની ઘેલછા, સિંહની ડણકથી યુવકો ઊભી પૂંછડીયે ભાગ્યા
Bhaskar News, Khmbha   |  Nov 25, 2013, 01:06AM IST
-
બેરોકટોક : રેવન્યુ વિસ્તારમાં સાવજોનો પડાવ હવે પજવણીમાં ફેરવાયો હોય તેવો તાલ સર્જા‍યો છે
-
સાવરકુંડલાનાં યુવકને સાવજે ડણક દેતા બાઇક છોડી નાસી જવુ પડયું

ગુજરાતને નામના અપાવનાર સાવજો માત્ર જંગલમા વસતા નથી. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પણ ખુબ મોટી સંખ્યામા વસવાટ છે. આ સાવજો રસ્તા પર પણ નજરે પડે છે અને વાડી ખેતરોમા પણ નજરે પડે છે.

જેને પગલે લોકોમા સિંહ દર્શનની મોટી ઘેલછા જોવા મળે છે. આ ઘેલછાના પરિણામે જ ખાંભા પંથકમાં લાયન શોનુ પ્રમાણ વધ્યું છે. સિંહ દર્શન માટે ગમે ત્યાં લોકોનુ ટોળુ એકઠુ થઇ જાય છે. સાવજોની પજવણીના કારણે હુમલાની ઘટના પણ વધી છે. ખાંભા નજીક એક બાઇક ચાલકને સિંહ આવી જતા પોતાનુ બાઇક મુકી નાસી જવુ પડયુ હતુ.

ખાંભા પંથકમાં ગેરકાયદે લાયન શોનુ પ્રમાણ વધ્યું છે. લોકોમા સિંહ દર્શન માટેની ઘેલછા વધુ પ્રમાણમા જોવા મળી રહી છે. આ ઘેલછા જ કેટલાક લોકોને લાયન શો માટે પ્રેરી રહી છે. અહી દુરદુરના પ્રદેશોમાંથી સિંહ દર્શન માટે લોકો આવે છે. છેક રાજકોટથી પણ લોકો લાયન શો ગોઠવાઇ ત્યારે સિંહ જોવા પહોંચી જાય છે. ખાંભા પંથકમાં વીડી વિસ્તારમાં ગઇકાલે એક સાવજ દ્વારા મારણ કરવામા આવ્યુ હતુ ત્યારે અહી જોતજોતામા ટોળુ એકઠુ થઇ ગયુ હતુ. મોબાઇલ પર એકબીજાને સંદેશાની ઝડપથી આપલે થતી હોય આવા સમયે જ જોતજોતામા લોકોના ટોળા એકઠા થઇ જાય છે. ગેરકાયદે સિંહ દર્શન દરમિયાન કાંકરીચાળાની પણ ઘટના બનતી હોય છે.

જાણવા મળતી વિગત અનુસાર ગઇકાલે અહી સાવરકુંડલાથી એક બાઇક ચાલક સિંહ દર્શન માટે પહોંચી ગયો હતો. બાઇક મુકીને બધા સિંહ દર્શનમા વ્યસ્ત હતા તે સમયે સિંહ અચાનક બાઇક પાસે પહોંચી જતા તેણે બાઇક મુકીને ત્યાંથી નાસી જવુ પડયું હતુ. આખી રાત બાઇક તે સ્થળે પડયુ રહ્યું હતુ. અને છેક સવારે ફરી ત્યાં પહોંચી તે શખ્સ પોતાનુ બાઇક લઇ ગયો હતો. અહી મોટી સંખ્યામા સિંહ દર્શન માટે લોકો એકઠા થયા હતા. ત્યારે અહી વનવિભાગનો સ્ટાફ ડોકાયો પણ ન હતો. સિંહ દર્શનની આ પ્રવૃતિ અટકાવવા સ્થાનિક વનકર્મચારીઓ નાકામ રહેતા હોય ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂર છે.

કાયદાથી કડક હાથે કામ લેવાશે-ડીએફઓ શર્મા
ગીરપુર્વના ડીએફઓ શર્માએ જણાવ્યુ હતુ કે જો કોઇ વ્યકિત લોકોના ટોળા એકઠા કરી સિંહ દર્શન કરાતા માલુમ પડશે તો કાયદાથી તેની સામે કડક હાથે કામ લેવાશે. તેમણે એમપણ જણાવ્યુ હતુ કે ખાંભાના કોટડામા એક સપ્તાહ પહેલા સિંહ દર્શન કરનારાઓ પાસેથી ૨પ હજારનો દંડ વસુલાયો હતો.

સાવજની એક ડણકથી સિંહપ્રેમીઓ ભાગ્યા
ખાંભા નજીક ગઇરાત્રે અહી સિંહ દર્શન માટે ટોળુ એકઠુ થયુ ત્યારે સાવજ છેક એક બાઇક નજીક પહોંચી ગયો હતો. અને બાઇક નજીક ઉભા રહી તેણે એક જ ડણક દેતા અહી એકઠુ થયેલુ ટોળુ જોતજોતામા વિખેરાઇ ગયુ હતુ. અગાઉ અહી બાઇકની લાઇટ ડીમફુલ કરી સાવજોને પરેશાન કરાયા હતા.

No comments: