Tuesday, November 26, 2013

‘પરિક્રમા’ કે મોજ શોખનું સાધન!, અનેક દારૂની બોટલો મળી.


‘પરિક્રમા’ કે મોજ શોખનું સાધન!, અનેક દારૂની બોટલો મળી

Bhaskar News, Junagadh   |  Nov 19, 2013, 01:01AM IST
- ધાર્મિ‌ક ભાવનાને બદલે યુવા પેઢીમાં મોજશોખનું માત્ર સાધન
 
ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં લાખો ભાવિકો પૂણ્યનું ભાથું બાંધવા માટે જ આવે છે. પરંતુ આજની યુવા પેઢીએ આ ધાર્મિ‌ક ભાવનાને મોજશોખનું સાધન બનાવી દીધી હોય એમ પરિક્રમા રૂટની આસપાસથી દારૂની બોટલો મળી આવતા પ્રતિતી થાય છે. પરિક્રમામાં મોટા ભાગનાં શ્રદ્ધાળુંઓ દિલથી આવે છે અને ૩૬ કિ.મી.નું પરિભ્રમણ કરી પૂણ્યનું ભાથું પણ બાંધે છે. આ વર્ષે પણ પરિક્રમામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. વન વિભાગ અને પોલીસનો કાફલો પણ બંદોબસ્તમાં તૈનાત રહેલ. 
 
રવિવારે પરિક્રમા પૂર્ણ થતાં માળવેલાની જગ્યા નજીક જંગલનાં ભાગેથી વન વિભાગનાં સ્ટાફને ફેરણી દરમિયાન ચોરવાડનો ગીગો કીશા કોળી નામનો કોળી યુવાન ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. એટલુ જ નહીં તેનાં થેલામાંથી પણ દારૂની બોટલો પણ મળી આવી હતી. આ યુવાનને ભેંસાણ પોલીસને સોંપી દીધો હતો. આજની યુવા પેઢીએ ધાર્મિ‌ક ભાવનાને બદલે પરિક્રમાને મોજશોખનું સાધન બનાવી દીધી હોય એવું પ્રતિત થઇ રહ્યું છે. આ અંગે માળવેલા આશ્રમનાં મહંત ભારતીબાપુએ જણાવેલ કે, પરિક્રમા કરવી હોય તો સાચી ભાવનાથી કરવી જોઇએ પરંતુ આજનાં યુવાનો હરવા-ફરવા અને મોજમજા કરવા માટે જ આવે છે એ અતિ દુ:ખની વાત છે.
-પરિક્રમામાં ૧૦૮એ ૬૦ ભાવિકોને સારવારમાં ખસેડયા’તા
- સૌથી વધારે હૃદયનાં દર્દીઓ: ચારનાં મોત થયા હતા
 
ગિરનારની ગોદમાં યોજાયેલી લીલી પરિક્રમામાં ૧૦૮ની પાંચ ગાડી તૈનાત કરવામાં આવી હતી. પાંચ દિવસ ચાલેલી પરિક્રમામાં ૧૦૮ની મદદથી ૬૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં સૌથી વધારે હૃદય રોગનાં દર્દીઓ હતા. જેમાંથી ચાર યાત્રાળુઓનું મોત થયું હતું.
 
પાવનકારી ગિરનારની લીલી પરિક્રમામાં નવ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડયા હતા. લોકોની સુખાકારી સુવિધા માટે વહીવટી તંત્ર, વન વિભાગ, પોલીસ તંત્ર, એસટી વિભાગ રાત-દિવસ ખડેપગે રહ્યા હતા. તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓની આરોગ્યલક્ષી સેવા પણ શરૂ કરવામાં આવી હતી. પરિક્રમા રૂટ પર કામચલાઉ દવાખાના શરૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૦૮નાં પ્રોગ્રામ મેનેજર દિનેશભાઇ ઉપાધ્યાય, દેવેન્દ્ર બારડનાં માર્ગદર્શન હેઠળ ભેંસાણ, વંથલી, બિલખા અને જૂનાગઢ સીટી ૧,૨ ની ૧૦૮ની પાંચ ગાડી તૈનાત કરવામાં આવી હતી. 
 
પરિક્રમા દરમીયાન ૬૦ જેટલા ઇમરજન્સી કોલ ૧૦૮ને મળ્યા હતા. જેમાં ચારનાં મોત થયા હતા. જ્યારે ૧૦ દર્દીઓ પડી ગયા હતા. અને બે વાહન અકસ્માતનાં બનાવ બન્યા હતા. ૧૦૮ને મળેલા કોલમાંથી મોટા ભાગનાં દર્દીઓ હૃદયરોગનાં દર્દી‍ હતા. જેમને સમયસર સારવાર મળી જતાં તેઓની જીંદગી બચી ગઇ હતી. પરિક્રમા દરમ્યાન લાખો ભાવિકો ભવનાથમાં અને જંગલમાં આવતા હોય છે ત્યારે આ વર્ષે ઇમરજન્સી ૧૦૮ સેવાએ સતત કાર્યશીલ રહી હતી.

No comments: