Tuesday, November 26, 2013

સિંહોને સ્થળાંતરનાં નિર્ણય સામે ચિમકી.


સિંહોને સ્થળાંતરનાં નિર્ણય સામે ચિમકી
Bhaskar News, Veraval | Nov 23, 2013, 01:15AM IST
- સંસ્થાઓનો સૂર : પર્યાવરણ બચાવ સમિતી અને કોડીનાર પ્રકૃતિ કલબ દ્વારા
-
ગીર-સોમનાથ કલેકટરને આવેદન : કાયદાકીય લડતની પણ તૈયારી

ગુજરાતની શાન સમા ગીરનાં સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતર કરવાનો નિર્ણય જો નહી રોકવામાં આવે તો આગામી દિવસોમાં પર્યાવરણ બચાવ સમિતી તથા કોડીનાર પ્રકૃતિ નેચર કલબ દ્વારા જલદ આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની સાથે નિર્ણયને કાયદાકીય રીતે પડકારવામાં આવશે તેવુ આજે ગીર-સોમનાથ કલેકટરને સુપ્રત કરેલ આવેદનમાં જણાવેલ છે. સુપ્રિમે રાજ્ય સરકારની પીટીશન કાઢી નાંખતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતી તથા કોડીનાર પ્રકૃતિ કલબનાં હોદ્દેદારો દ્વારા આજે કલેકટર ગીર-સોમનાથ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, એશિયાઈ સિંહનું મધ્યપ્રદેશનું સ્થળાંતર કરવાનો આદેશ ગુજરાતનાં હિ‌તમાં નથી અને ગીરનાં જંગલમાં વસવાટ કરતા સિંહો માત્ર સોરઠ જ નહી પરંતુ ગુજરાતની શાન સમાન છે. ત્યારે ગીરનાં જંગલમાંથી સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતર કરવાના નિર્ણય અટકાવો જોઈએ તેમજ આગામી દિવસોમાં આ સ્થળાંતરના નિર્ણયને કાયદાકીય રીતે પડકારવામાં આવશે. હાલની તકે સિંહોના સ્થળાંતરનો રીપોર્ટ તૈયાર કરી એશિયાઈ સિંહોનું સ્થળાંતર કરવા જણાવેલ તે રીપોર્ટનો અમો તથા અન્ય વન્ય પ્રેમી સંસ્થાઓ દ્વારા બહિ‌ષ્કાર કરવા નીચે મુજબનાં કારણો છે.

જેમાં (૧) એશિયાઈ સિંહોનું સ્થળાંતર કરવાથી સિંહોનું અસ્તીત્વ જોખમમાં મુકાય તેવી પૂરી શક્યતા છે. (૨) મધ્યપ્રદેશની ભૌગોલિક સ્થિતિ પણ સિંહો માટે અનુકુળ નથી અને (૩) મધ્યપ્રદેશના કટની જેવા વિસ્તારમાં તેમજ અન્ય જિલ્લાઓમાં વન્યજીવોનો શિકાર થવાના બનાવો બને છે અને ગુજરાતમાં પણ એમ.પી.ની ટોળકી દ્વારા સિંહોના શિકારની ઘટના બનેલ છે. જો સિંહનાં સ્થળાંતરનો નિર્ણયનો ફેરવિચાર નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં અમારી સંસ્થા તેમજ વન્યપ્રેમી સંસ્થાઓ તેમજ ગુજરાતની જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન, ધરણાઓ અને જરૂર પડયે આત્મવિલોપન કરવાની તૈયારી સાથેના કાર્યક્રમો કરવામાં આવશે અને સિંહોનું સ્થળાંતર કોઈપણ ભોગે કરવા દેશુ નહી તેમ પત્રના અંતમાં જણાવેલ છે.

No comments: