Tuesday, November 26, 2013

ઓફિસમાં જ સર્વિસ રીવોલ્વરથી RFO એ આત્મહત્યા કરી.


Bhaskar News, Junagadh   |  Nov 21, 2013, 01:13AM IST

ઓફિસમાં જ સર્વિસ રીવોલ્વરથી RFO એ આત્મહત્યા કરી
- વિસાવદરના RFO નો સર્વિ‌સ રિવોલ્વરથી આપઘાત
- સવારે યુનિફોર્મ પહેરીને ઓફિસમાં પણ આવ્યા, કોર્ટની તારીખ હોઇ ફાઇલ પણ જોઇ
-
કવાર્ટરના બાથરૂમમાં જાઉં છું કહીને ગયા બાદ રૂમમાં જ જીવ દઇ દીધો

મૂળ મોરબી પંથકનાં વાવડીનાં અને વિસાવદરમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા એન. એમ. જાડેજાએ આજે સવારે પોતાની સર્વિ‌સ રીવોલ્વરથી લમણામાં ગોળી છોડી આત્મહત્યા કરી લેતાં ચકચાર પ્રસરી ગઇ છે. આજે સવારે યુનિફોર્મ પહેરી ઓફિસમાં કોર્ટની તારીખ અંતર્ગત ફાઇલ જોઇ સ્ટાફને જરૂરી સુચના આપ્યા બાદ આ ઘટના બનતાં સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. પોલીસે તેમની પાસેથી મળી આવેલી 'મારે કારણે ઘરનાં સભ્યો દુ:ખી છે’ એ સહિ‌તનાં ૧૪ મુદ્દાઓવાળી સ્યુસાઇડ નોટ પણ પોલીસે કબ્જે કરી છે.
પ્રાપ્ત માહિ‌તી મુજબ, વિસાવદરમાં છેલ્લા ૨પ વર્ષથી વનવિભાગમાં ફરજ બજાવનાર આરએફઓ એન. એમ. જાડેજા આજે સવારે ૯:૩૦ વાગ્યાનાં અરસામાં યુનિફોર્મ પહેરીને ઓફિસમાં આવ્યા હતા. આજે કોર્ટમાં તારીખ હોઇ સ્ટાફ પાસે ફાઇલ મંગાવી કોર્ટ કાર્યવાહીની સુચના પણ સ્ટાફને આપી હતી. જો કે, ત્યારબાદ કર્વાટરનાં બાથરૂમમાં જાઉં છું, એમ કહીને ગયા હતા. બાદમાં તેઓ ઓફિસની બાજુમાં જ આવેલા એક કર્વાટરનાં રૂમમાં પહોંચી અને પોતાની સર્વિ‌સ રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી.
અચાનક બનેલી આ ઘટનાથી હાજર સ્ટાફ પણ તુરંત જ તેમને લોહીલુહાણ હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે આરએફઓ એન. એમ. જાડેજાને મૃત જાહેર કરતાં સ્ટાફ સહિ‌ત અહીં એકત્રીત થયેલા તમામ લોકો સ્તબ્ધ બની ગયા હતા. જ્યારે આ ઘટના બનતા વન વિભાગનાં સીએફઓ આર. એલ. મીના, ડીએફઓ કે. રમેશ, સક્કરબાગ ઝુનાં વી. જે. રાણા, ધારી રેન્જનાં ડીએફઓ અંશુમન શર્મા સહિ‌ત હોસ્પિટલે પહોંચી ગયા હતા. બીજી બાજુ મૃતકનાં જૂનાગઢ રહેતા પરિવારને પણ જાણ કરાતા પરિવારજનોનાં કલ્પાંતે પણ સૌની આંખ ભીની કરી હતી. જો કે,૧૪ મુદ્દાવાળી સ્યુસાઇડ નોટમાં માથાનાં પાછળનાં ભાગનો દુખાવો હોવા સહિ‌તનો ઉલ્લેખ કરી જીવનનો અંત આણી લેવાના અધિકારીનાં પગલાથી ઘેરી સ્તબ્ધતા છવાઇ ગઇ છે.
મૃતકનાં ખીસ્સામાંથી ૧૪ મુદ્દાવાળી સ્યુસાઇડ નોટ મળી
વિસાવદર હોસ્પિટલમાં દોડી આવેલી પોલીસે મૃતક અધિકારીનાં ખીસ્સામાંથી જુદા-જુદા ૧૪ મુદ્દાવાળી સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી.

૧૯૮૩ માં ફોરેસ્ટર તરીકે સર્વિ‌સ શરૂ કરી હતી
મૃતક આરએફઓ જાડેજાએ ૧૯૮૩ માં દેવળીયાથી ફોરેસ્ટર તરીકે સર્વિ‌સ શરૂ કરી હતી. બાદમાં વિસાવદર તેમજ જૂનાગઢ ખાતે બદલી થઇ હતી. અને આરએફઓનો ચાર્જ સોંપવામાં આવેલ. જો કે પાછળથી બઢતી પણ મળી હતી. બીજી બાજુ દિવાળી પહેલા તેઓ ૧પ દિવસની રજા પર ઉતરી ગયા હતા. અને તાજેતરમાં ૬ તારીખે હાજર થયા હતા.
હોસ્પિટલે નેસડાનાં લોકોનાં ડુસ્કા સંભળાયા
આ કરૂણાંતિકાની જાણ થતાં જ વિસાવદર હોસ્પિટલે લોકોનાં ટોળા ઉમટયા હતા. અને આ અધિકારીએ માત્ર થોડા વર્ષો થોડા સમય માટે બદલી થઇ વિસાવદર બહાર ગયા હતા. બાકી ૨પ વર્ષ આસપાસની આ અધિકારીની ફરજથી નેસડામાંથી આવેલા લોકોએ પણ કલ્પાંત કરી દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

મોરબી પંથકનાં વતની
આરએફઓ એન. એમ. જાડેજાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે. જેમાં એક પુત્રીનાં લગ્ન થઇ ગયા છે. જ્યારે બે દિકરામાં રવિરાજસિંહ એન્જીનિયર તરીકે સર્વિ‌સ કરે છે. જ્યારે નાનો પુત્ર દિવ્યરાજસિંહ અભ્યાસ કરે છે.

બે માસ પહેલાં બેસ્ટ આરએફઓનો એવોર્ડ મળ્યો 'તો
મૃતક આરએફઓ એન. એમ. જાડેજાને બે માસ પહેલાં સાસણ ખાતે વનવિભાગ દ્વારા ૨૦૧૩ બેસ્ટ આરએફઓનો એવોર્ડ અર્પણ કરાયો હતો.

No comments: