Thursday, November 28, 2013

ધારાબંદરમાં ઝેરી ચારો ખાવાથી પંદર પ્રવાસી પક્ષીઓના મોત.

ધારાબંદરમાં ઝેરી ચારો ખાવાથી પંદર પ્રવાસી પક્ષીઓના મોત
Bhaskar News, Amreli   |  Nov 26, 2013, 03:46AM IST
- સૂકી માછલીના ખાતરમાં જંતુનાશક નખાતા પક્ષીઓને મોત મળ્યુ
- હજુ ૨પ પક્ષીઓનાં શિકારની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં


જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ૨પથી વધુ પ્રવાસી પક્ષીઓનો એક શિકારી ટોળકીએ શીકાર કર્યાની તંત્રને રજુઆત થયાને હજુ જાજો સમય થયો નથી ત્યાં જાફરાબાદ તાલુકાના ધારાબંદરના દરીયાકાંઠે પંદર પ્રવાસી પક્ષીઓના મોત થયા છે. અહિં માછલીઓના ખાતરમાં ઝેરી દવા નખાતા આવો ચારો ખાવાથી પક્ષીઓના મોત થયાની લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા રજુઆત કરવામાં આવી છે. લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આજે વિસ્તરણ વિભાગના ડીએફઓને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે જાફરાબાદના ધારાબંદર ખાતે સમુદ્ર કિનારે પંદર જેટલા યાયાવર પક્ષીઓનું ઝેરી પદાર્થ ખાવાથી આજે મોત થયુ હતું. તેમણે રજુઆતમાં એમ જણાવ્યુ હતું કે ધારાબંદર તથા આસપાસના વિસ્તારોમાં મૃત માછલીઓમાંથી ખાતર બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે.

સુકવેલી આ માછલીઓનું ખાતર અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. સુકવણી દરમીયાન આ માછલીઓમાં સડો કે જીવાત ન પડી જાય અને બગાડ ન થાય તે માટે તેના પર જંતુનાશક દવા છાંટવામાં આવે છે. આવી જંતુનાશક દવા છાટેલી સુકી માછલીઓનો ચારો ખાવાથી આ પક્ષીઓના મોત થયાનું મનાય છે. અહિં પાછલા ઘણા સમયથી રોજ એક-બે પક્ષીના મોત થાય છે.

પરંતુ આજે ધારાબંદર અને રાજપરાના દરીયાકાંઠે પંદર જેટલા પક્ષીઓના કમોત થયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે જાફરાબાદના બાબરકોટમાં હજુ ત્રણ દિવસ પહેલા જ શીકારોઓએ ૨પ થી વધુ પ્રવાસી પક્ષીઓનો શિકાર કર્યાની પણ લાયન નેચર ફાઉન્ડેશને રજુઆત કરી હતી.

આ અંગે જાફરાબાદનાં આર.એફ.ઓ. રાજપૂત સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, તપાસ કરતા ધારાબંદર વિસ્તારમાંથી પક્ષીઓના મૃત્યુ થયા હોય તેવી વાત ધ્યાને આવી નથી.

No comments: