Bhaskar News, Junagdah
| Nov 17, 2013, 00:56AM IST
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવા અને તમાકુનું લગભગ તમામ વર્ગમાં વ્યાપક વ્યસન જોવા મળે છે. ત્યારે મોટા મેળાવડાઓમાં મોટા પ્રમાણમાં માવા-તમાકુ ખવાતા હોય છે. આ વર્ષે પરિક્રમામાં તા. ૧૧ થી ૧પ નવે. દરમ્યાન જ એક ટ્રક ભરાય એટલા માવા વ્યસનીઓ 'ચાવી’ ગયાનો અંદાજ છે.
ગરવા ગિરનારની પરિક્રમામાં ગુજરાતનાં અને દેશનાં અનેક શહેરોમાંથી લોકો આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાંથી પણ લોકો પુણ્યનું ભાથું બાંધવા આવી પહોંચે છે. પરિક્રમા માટે આવતા હોય ત્યારે ભાવિકો બધી તૈયારી સાથે આવતા હોય છે. તેમાં પાન-માવા અને તમાકુના વ્યસનીઓ પોતાની 'ચોક્કસ’ વ્યવસ્થાઓ કરીને જ આવે છે. જામજોધપુરના ધર્મેશ તેનાં ૭ મિત્રો સાથે પરિક્રમામાં આવ્યો હતો. તેણે કહ્યું અમારા ગૃપનાં પાંચ મિત્રો માવા ખાય છે.
અમે લોકો પરિક્રમામાં ગયા એ પહેલાં ૧૨ માવા બંધાવ્યા હતા. વચ્ચે જરુર પડી ત્યાં બીજા પણ લીધા હતા. ભવનાથમાં એક માવા પાર્સલનો ભાવ રૂ. ૧૦ છે. જે જંગલમાં રૂ. ૧પ થી ૨૦ જેવો હતો. તો પણ જે લોકો માવા ખાતા હતા તેઓ હોંશે હોંશે ૨૦-૨૦ રૂપિયા પણ આપતા હતા. અમે આખાગૃપે પરિક્રમા દરમ્યાન કુલ ૩૦ માવા ખાધા. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા કેટલાક યુવાનો પોતાનાં શહેરમાંથીજ મોટા પ્રમાણમાં સોપારી-તમાકુનો જથ્થો સાથે લઇને જ આવે છે. તેમજ જરૂર પડે તો અહીંથી વધુ ખરીદતા હોય છે. માવાનાં વ્યસનીઓ અને પરિક્રમામાં માવાનું 'પાર્સલ’ વેચનારા લોકો સાથે વાત કરતાં એક અંદાજ મુજબ પાંચ દિવસો દરમ્યાન એક મોટો ટ્રક ભરાય એટલા પ્રમાણમાં વ્યસનીઓ માવા 'ચાવી’ ગયા છે. હજુ બે દિવસ બાકી છે.
No comments:
Post a Comment